કોરોનાના હાહાકાર વચ્ચે પૃથ્વી પર ઝૂલી રહેલાં પારણાં
- તાલાલામાં 24 કલાકમાં 15 પ્રસૂતિઃ 9 બાળક, 6 બાળકીની કિલકારીઓથી હોસ્પિટલ ગૂંજી ઊઠી
તાલાલા, તા. 12 એપ્રીલ 2020, રવિવાર
ચોતરફ કોરાનાની મહામારીને પગલે આરોગ્ય કર્મચારીઓ દિનરાત એક કરીને લોકોના પ્રાણ બચાવવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ ગર્ભવતિ મહિલાઓની સારવાર કરી નવજાત શિશુઓના આગમનમાં પણ તબીબો, આરોગ્ય કર્મચારીઓ મસીહા બની રહ્યા છે.
ગીરના તાલાલા શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં 24 કલાક દરમ્યાન પંથકના વિવિધ ગામડાંમાંથી 15 સગર્ભા સારવાર માટે આવી હતી. જેમાંથી 15ની નોર્મલ ડિલિવરી થઈ હતી અને 2 મહિલાને સીઝેરિયન ઓપરેશનથી બાળકનો જન્મ થયો હતો.
9 બાળક અને 6 બાળકીની કિલકારીઓથી હોસ્પિટલ ગૂંજી ઊઠી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં પ્રસૂતિઓ સફળતાપૂર્વક થતાં હોસ્પિટલના અધિક્ષક અને સ્ટાફે સંતોષ અને આનંદની લાગણી અનુભવી હતી.