ગુજરાતની ગ્રાન્ટેડ લઘુમતી સ્કૂલોમાં શિક્ષકોની કેન્દ્રીય ભરતી કરવા નવા નિયમો જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Minority School Teacher Recruitment: ગુજરાતમાં આવેલી ધો. 9 થી 12 ની ગ્રાન્ટેડ લઘુમતી સ્કૂલોમાં શિક્ષકોની કેન્દ્રિકૃત ભરતીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે શિક્ષણ વિભાગે અંતે નોટિફિકેશન સાથે નવા નિયમો જાહેર કરી દીધા છે. જો કે નવા નિયમોમાં સરકારે લઘુમતી સ્કૂલોના સંચાલક મંડળના એક ટ્રસ્ટી અને એક પ્રતિનિધિ સાથે પસંદગી સમિતિ બનાવવાની પણ જોગવાઈ કરી છે. પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોના રૂબરૂ ઈન્ટરવ્યુ થશે અને જેના 10 ગુણ રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા રાજ્ય કક્ષાની સ્ક્રુટિની કમિટી પણ રચાશે. જેમાં અધ્યક્ષ તરીકે કમિશનર ઓફ સ્કૂલ રહેશે. સ્ક્રુટિની કમિટી ઉમેદવારોની અરજી-લાયકાતોની ચકાસણી કરશે અને મેરિટયાદી તૈયાર કરશે.
લઘુમતી સ્કૂલોમાં શિક્ષક ભરતીના નવા નિયમો જાહેર
સરકારે ઓક્ટોબર 2021 માં કેન્દ્રિય ભરતી માટે ઠરાવ કરતા રાજ્યની 300થી વધુ લઘુમતી સ્કૂલોએ હાઈકોર્ટમાં પીટિશન કરી હતી. જેમાં શિક્ષકોની ભરતી કેન્દ્રિયધોરણે કરવાને લઈને છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હાઈકોર્ટના ચુકાદા બાદ અંતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તાજેતરમાં નવા નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જેમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 માં કલમ 35 હેઠળ મળેલી સત્તાની રૂએ લઘુમતી સ્કૂલો માટે શિક્ષક ભરતીના નવા નિયમો નક્કી કરાયા છે. આ સાથે 2021 ના નિયમો હવે નહીં ગણાય અને તેના બદલે આ નવા નિયમો લાગુ પડશે.
ટાટના ગુણ આધારે મેરિટયાદી તૈયાર થશે
આ નવા નિયમોમાં સરકારે ભરતી માટે ચકાસણી સમિતિ-સ્ક્રુટિની કમિટી અને પસંદગી સમિતિ રચવાની જોગવાઈ કરી છે. સ્ક્રુટિની કમિટીમાં ચેરમેન કમિશનર ઓફ સ્કૂલ્સ રહેશે તેમજ અન્ય સભ્યોમાં ગુજરાત શિક્ષણ બોર્ડના સચિવ, સરકાર દ્વારા નિયુક્ત અધિકારી તથા સરકાર નોમિનેટેડ બે પ્રતિષ્ઠિત કેળવણીકારો અને સરકાર નોમિનેટેડ લઘુમતી સ્કૂલ સંચાલક મંડળોના પાંચ પ્રતિનિધિ સભ્યો રહેશે. જ્યારે કમિશનર કચેરીના માધ્યમિક વિભાગના જોઈન્ટ ડિરેક્ટર મેમ્બર સેક્રેટરી રહેશે. આ કમિટી ડીઈઓ પાસેથી શિક્ષકોની જગ્યાઓની માહિતી મંગાવશે. જો કે ડીઈઓએ સ્કૂલો પાસેથી ખાલી જગ્યાનું માંગણીપત્રક મંગાવ્યા બાદ સમિતિને મોકલવાનું રહેશે. આ કમિટી ભરતી સૂચનાઓ નક્કી કરશે અને ઉમેદવારોની અરજીઓની ચકાસણી કરશે તથા ટાટમાં મળેલા ગુણના આધારે સ્કૂલ-વિષયવાર મેરિટયાદી તૈયાર કરશે.
ઈન્ટરવ્યુના 10 ગુણ, 7 દિવસમાં હાજર થવું પડશે
પસંદગી સમિતિમાં ચેરમેન સ્કૂલ સંચાલક મંડળ-ટ્રસ્ટના એક ટ્રસ્ટી રહેશે. સભ્યોમાં ડીઈઓ દ્વારા નિયુક્ત બહારના કેળવણીકાર, મંડળે મૂકેલા પ્રતિનિધિ, સ્કૂલના આચાર્ય રહેશે. મેમ્બર સેક્રેટરી તરીકે ડીઈઓના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર રહેશે. પસંદગી સમિતિ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેશે અને 10 માંથી ગુણ આપશે. ઉમેદવાર 20 સ્કૂલની પસંદગી કરી શકશે. ઉમેદવારે 7 દિવસમાં હાજર થવુ પડશે. જો સ્કૂલ હાજર ન કરે તો કમિટી સરકારને માન્યતા રદની ભલામણ કરી શકે છે.




