ગાંધીનગર: TAT-HSના મુખ્ય પરિણામ બાદ ઉમેદવારોમાં ભારે રોષ, 3 દિવસથી શાંતિપૂર્ણ આંદોલન છતાં પોલીસે કરી અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SEB TAT HS Result Controversy, Candidates Protest: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS (ઉચ્ચતર માધ્યમિક) મુખ્ય પરીક્ષાનું પરિણામ ગત 6 નવેમ્બરના રોજ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર ખાતે 3 દિવસથી શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં બેઠેલા ઉમેદવારોની આજે વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ ઉમેદવારોએ દાવો કર્યો હતો કે પોલીસ પ્રશાસન દ્વારા ફોન લઈ લેવામાં આવ્યા છે તેમજ ખાવા-પીવાની વ્યવસ્થાથી પણ વંચિત રાખવામાં આવ્યા છે.
મહત્ત્વનું છે કે દિવાળી પહેલા પરીક્ષાનું પરિણામ જાહેર થતાં ઉમેદવારોમાં ખુશીને બદલે હતાશા જોવા મળી હતી. ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના ગુણ અને પેપર મૂલ્યાંકનને લઈને ખામી થઈ હોવાનો દાવો કર્યો છે. આ મામલે રાજ્યભરના TAT-HSના ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. દરમિયાન, SEB દ્વારા મુખ્ય પરીક્ષાના ગુણ ચકાસણી માટે 18થી 21 નવેમ્બર દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. તો બીજી તરફ અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત વિવિધ જિલ્લાઓમાં ઉમેદવારોએ વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી છે.
ઉમેદવારો પરિણામથી નારાજ, ફરી મૂલ્યાંકનની માગ
ઉમેદવારોના જણાવ્યા અનુસાર, આ પરીક્ષામાં યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ, પીએચ.ડી. ધારકો, 15 વર્ષથી વધુનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો અને પુસ્તકો પ્રકાશિત કરનાર તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા હતા. છતાં આવા ઉમેદવારોને 200માંથી ફક્ત 80થી 110ની આસપાસ ગુણ મળ્યા હોવાનો દાવો ઉમેદવારો કરી રહ્યા છે, જેનાથી પરિણામની પ્રક્રિયા અને પારદર્શિતા અંગે ઉમેદવારોમાં સવાલો ઊભા થયા છે. ઉમેદવારોએ પેપરનું ફરી મૂલ્યાંકન કરવા અને પેપર-1 તથા પેપર-2 બંનેના ગુણ જાહેર કરવાની માગ કરી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અપાયેલા આવેદનપત્રો દ્વારા ઉમેદવારોએ નીચે મુજબની માંગણીઓ મૂકી છે
- TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામમાં ઉમેદવારોએ આપેલા બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે.
- દરેક ઉમેદવારના સીટ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, કેટેગરી અને વિષયવાર પરિણામનું લિસ્ટ જાહેર કરાય, તેમજ જેઓએ એક જ પેપર આપ્યું હોય તેમનું પણ અલગ લિસ્ટ જાહેર થાય.
- દરેક ઉમેદવારને પોતે લખેલી બંને પેપરની ઉત્તરવહી ઉપલબ્ધ કરાવવામાં આવે.
- પેપર-1 (ગુજરાતી ભાષા સજ્જતા) અને પેપર-2(સંબંધિત વિષય)ની અધિકૃત જવાબવહી (આન્સર કી) જાહેર કરવામાં આવે.
- TAT-HS મુખ્ય પરીક્ષા પરિણામના જાહેરનામામાં દર્શાવેલા આંકડાઓની વિસંગતતા અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
- અભ્યાસક્રમ ધોરણ 11-12 સુધીનો હોવા છતાં કઠિનતા મૂલ્ય અનુસ્નાતક કક્ષાનું રખાયું હોવાથી, મૂલ્યાંકન કરનારાઓની લાયકાત અંગે સ્પષ્ટતા થાય.
- જાહેરનામામાં મૂલ્યાંકન માટેના નિયમો અને માપદંડો અંગે ખુલાસો કરવામાં આવે.
ઉગ્ર આંદોલનની ચીમકી
TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામની નિષ્પક્ષ તપાસ અને યોગ્ય નિરાકરણની માગ સાથે ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં સંતોષકારક પગલાં નહીં ભરવામાં આવે તો ગાંધીનગર ખાતે મોટાપાયે આંદોલન કરવાની ફરજ પડશે.
ગાંધીનગર ખાતે પણ નોંધાવ્યો હતો વિરોધ
અગાઉ TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામ સામે અસંતોષ વ્યક્ત કરતાં ગત 16 નવેમ્બર, 2026ના રોજ ગાંધીનગરમાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. તે દિવસે રાજ્ય પરીક્ષા બોર્ડ સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા અને બોર્ડને લેખિતમાં રજૂઆત કરી હતી.
શું છે સમગ્ર મુદ્દો?
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12 એપ્રિલ, 2026ના રોજ TAT (ઉચ્ચતર માધ્યમિક)-2026ની પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ 16 જૂન, 2026ના રોજ જાહેર થયું હતું. પ્રિલિમમાંથી ગુજરાતી માધ્યમના કુલ 50,066 ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. ત્યારબાદ 8 ઑગસ્ટ, 2026ના રોજ લેવાયેલી મુખ્ય પરીક્ષામાં 47,644 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 2,422 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. 6 નવેમ્બર, 2026ના રોજ જાહેર થયેલા મુખ્ય પરીક્ષાના પરિણામમાં 16,887 ઉમેદવારો પાસ અને 30,754 ઉમેદવારો નાપાસ દર્શાવાયા છે.
આંકડાઓમાં જોવા મળતો તફાવત
પરિણામના આંકડાની ગણતરી મુજબ, કુલ હાજર 47,644 ઉમેદવારોમાંથી નાપાસ 30,754 ઉમેદવારો બાદ કરતાં 16,890 થાય છે, જ્યારે જાહેર કરાયેલા પાસ ઉમેદવારોની સંખ્યા 16,887 દર્શાવાઈ છે (અને પાસ-નાપાસનો સરવાળો 47,641 થાય છે). આ રીતે 3 ઉમેદવારોનો તફાવત દેખાઈ રહ્યો છે, જે અંગે ઉમેદવારોએ ખુલાસો માગ્યો છે.




