'નમો શ્રી' યોજનાનું બાળમરણ, PM માતૃ વંદનાનો ફક્ત 27.4%ને લાભ, પ્રસૂતિ પાછળ ગરીબ મહિલા સરેરાશ રૂ. 16,951નું દેવું કરવા મજબૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Matru Vandana Yojana Gujarat: ગુજરાતમાં એક તરફ 'ડિજિટલ ગવર્નન્સ' અને 'મહિલા સશક્તિકરણ'ના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ગર્ભવતી અને ધાત્રી માતાઓના અધિકારોને લઈને એક કડવી વાસ્તવિકતા સામે આવી છે. 'અન્ન સુરક્ષા અધિકાર અભિયાન' દ્વારા રાજ્યના નવ જિલ્લાઓમાં હાથ ધરાયેલા એક સર્વે અને અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના' હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓમાંથી માત્ર 27.4 ટકા મહિલાઓને જ નાણાકીય સહાય મળી શકી છે. જ્યારે રાજ્ય સરકારની મોટી ગાજવીજ સાથે શરૂ થયેલી ‘નમો શ્રી' યોજનાનું જાણે બાળમરણ થયું હોય તેમ માત્ર 4.8 ટકા અરજદારો સુધી જ આ સહાય પહોંચી શકી છે.
સરકારી યોજનાઓનો લાભ ન મળતા ગરીબ પરિવારો દેવાના ડુંગર નીચે દબાયા
સરકારી યોજનાઓનો લાભ સમયસર ન મળવાને કારણે 77.2 ટકા મહિલાઓએ પ્રસૂતિ દરમિયાનનો તમામ તબીબી ખર્ચ પોતાના જ ખિસ્સામાંથી ભોગવવો પડ્યો હતો. સર્વેના આંકડા અનુસાર, ગરીબ અને શ્રમિક પરિવારોએ પ્રસૂતિ માટે સરેરાશ રૂ.16,951નો ભારે ખર્ચ કરવો પડ્યો છે. રોજનું કમાઈને રોજ ખાતા પરિવારો માટે આ અત્યંત નાજુક સમય હોય છે, પરંતુ તેમને યોગ્ય આરામ અને પૌષ્ટિક આહાર મળવાને બદલે યોજનાઓના અભાવે દેવાના ડુંગર નીચે દબાવવાનો વારો આવ્યો છે.
ટેકનોલોજી અને વહીવટી ખામીઓ જ લાભાર્થીઓ માટે અવરોધ બની
સરકારે યોજનાઓને ઓનલાઈન તો બનાવી દીધી છે, પરંતુ જમીની હકીકત એ છે કે આ ટેકનોલોજી જ હવે ગરીબો માટે સાર્વત્રિક અવરોધ બની રહી છે. સર્વેમાં એ બાબત સામે આવી છે કે, 93.2 ટકા મહિલાઓ પાસે આધાર કાર્ડ અને 82.7 ટકા મહિલાઓ પાસે પોતાના બેંક ખાતા હોવા છતાં તેઓ વહીવટી માળખાની જટિલતાનો ભોગ બની છે. 57.5 ટકા કિસ્સાઓમાં આધાર કાર્ડના વન-ટાઇમ પાસવર્ડ (OTP) મહિલાઓના બદલે તેમના પતિના મોબાઈલ નંબર પર જાય છે. આ ઉપરાંત, મહિલાઓના બેંક ખાતા પણ પતિના મોબાઈલ નંબર સાથે લિંક હોવાથી સિસ્ટમમાં મોટો ગૂંચવાડો ઊભો થાય છે, જેને કારણે અરજીઓ કાં તો નામંજૂર થઈ જાય છે અથવા લાંબા સમય સુધી લટકી પડે છે.
માતૃત્વ લાભ એ દાન નથી પણ અધિકાર: સામાજિક સંગઠનોની માંગ
સામાજિક સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે માતૃત્વ લાભ એ સરકાર તરફથી અપાતું કોઈ દાન કે પ્રોત્સાહન નથી, પરંતુ તે દરેક ગર્ભવતી મહિલાનો સામાજિક સુરક્ષાનો મૂળભૂત અધિકાર છે. સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર ડિજિટલ પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવે. આ સાથે જ મળવાપાત્ર સહાયની રકમને મોંઘવારી સાથે જોડીને યોગ્ય વેતન સમાન કરવામાં આવે. તેમજ પ્રથમ બાળકની મર્યાદા અને ઉંમરના કડક નિયમો હટાવીને દરેક જન્મ માટે સાર્વત્રિક રીતે આ લાભ પૂરો પાડવામાં આવે.




