ઝુબિન ગર્ગ મોત કેસ મામલે મોટા સમાચાર, CMની સિંગરના મિત્રોને ચેતવણી- સહયોગ નહીં કરો તો કાર્યવાહી થશે

Zubeen Garg Death Case: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે જણાવ્યું હતું કે, સિંગર ઝુબિન ગર્ગના અંતિમ સમયમાં સિંગાપોરમાં બોટ પર સવાર લોકોની વાપસી સંપૂર્ણપણે તેમના નિર્ણય પર નિર્ભર રહેશે, પરંતુ જો તેઓ 6 ઓક્ટોબર સુધીમાં SIT તપાસમાં હાજર નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોકરાઝારમાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમની વાપસી સંપૂર્ણપણે તેમના પર નિર્ભર છે. આસામ સરકાર તેમને સિંગાપોરથી પાછા ન લાવી શકે, પરંતુ અમે તેમના માતા-પિતા સાથે વાત કરી શકીએ છીએ, જેથી તેઓ તેમને તપાસ માટે પાછા આવવા માટે કહી શકે.
સહયોગ નહીં કરો તો કાર્યવાહી થશે
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઝુબિન સાથે બોટ પર સવાર તમામ લોકો માટે 6 ઓક્ટોબરની સમયમર્યાદા પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. જો તેઓ સોમવાર સુધીમાં પાછા નહીં ફરે, તો અમારે કડક કાર્યવાહી કરવી પડશે. અમારે તેમને એક ખાસ પ્રક્રિયા દ્વારા પાછા લાવવા પડશે. મુખ્યમંત્રી સરમાએ અગાઉ કહ્યું હતું કે, જ્યાં સુધી સિંગાપોરમાં સિંગર ઝુબિન સાથે બોટ પર સવાર લોકો તપાસ એજન્સી સમક્ષ પોતાના નિવેદનો નહીં નોંધાવે ત્યાં સુધી તપાસ પૂર્ણ થઈ શકશે નહીં.
આ વચ્ચે એક ડોક્ટરે લતાસિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ઝુબિન ગર્ગના મૃત્યુમાં આસામ એસોસિએશન ઓફ સિંગાપોરના 11 સભ્યોની સંડોવણીનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદની તપાસ કરી રહી છે.
11 સભ્યોમાંથી આઠ સભ્યોને 6 ઓક્ટોબર સુધીમાં હાજર થવા માટે સમન્સ
બીજી તરફ ઝુબિનના મૃત્યુની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ આસામ એસોસિએશન ઓફ સિંગાપોરના 11 સભ્યોમાંથી આઠ સભ્યોને 6 ઓક્ટોબર સુધીમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યા છે. SITએ તન્મય ફુકન, અભિમન્યુ તાલુકદાર, દેબોજ્યોતિ હજારિકા, રૂપકમલ કલિતા, ભાસ્કર દત્તા, સિદ્ધાર્થ બોરા, પરિક્ષિત શર્મા અને વાઝેદ અહેમદને સમન્સ પાઠવ્યા છે. સમન્સ પાઠવવામાં આવેલા લોકોના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અમને એ વાતની જાણકારી નથી કે, આ લોકો તપાસનો ભાગ બનશે કે નહીં.
ચાર લોકોની ધરપકડ
સીએમએ કહ્યું કે, 'તપાસ સારી રીતે આગળ વધી રહી છે અને જેમની સાથે તેમણે વાત કરી છે તેઓ આસામ સરકારની તપાસ પ્રક્રિયાથી સંતુષ્ટ છે. ઘટના સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.'
આ પણ વાંચો: ઝુબિન ગર્ગને ઝેર અપાયું હતું...' મિત્રના જ દાવાથી ખળભળાટ, કાવતરાનો પણ આરોપ મૂકાયો
તમને જણાવી દઈએ કે, ઝુબિન ગર્ગ NEIF કાર્યક્રમમાં ભાગ લેવા માટે સિંગાપોર ગયો હતો, જ્યાં તરતા સમયે ડૂબી જવાથી તેનું મોત થયું હતું. ત્યારબાદ આસામમાં 60થી વધુ FIR દાખલ કરવામાં આવી હતી, જેને મુખ્યમંત્રીએ CIDને ટ્રાન્સફર કરવા અને સંયુક્ત કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

