'તમે સાડીમાં સરસ લાગો છો...', મહિલાઓને મેસેજ કરી ફસાયા બંગાળી એક્ટર રિજુ બિસ્વાસ

Riju Biswas Saree Controversy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંવાદ માટે એક નવા માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્લેટફોર્મ પર લોકો નવા મિત્ર બનાવે છે, વિચારોની આપ-લે કરે છે, અસહમતિ વ્યક્ત કરે છે અને સારા કામની તારીફ પણ કરે છે. જોકે, બંગાળી અભિનેતા રિજુ બિસ્વાસ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કથિત તારીફ ભરેલો મેસેજ મોકલવાના કારણે ફરિયાદ નોંધાઈ છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રિજુએ એક મહિલાને આવો મેસેજ મોકલ્યો અને તે મહિલાએ તેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ પછી, રિજુએ ઘણી મહિલાઓને આ મેસેજ મોકલ્યો હોવાથી, આવા ઘણા સ્ક્રીનશોટ સામે આવ્યા.
અભિનેતા પર લાગેલા આરોપો
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) અનુસાર, કોલકાતાની અનેક મહિલાઓએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો છે કે બંગાળી ટેલિવિઝન અભિનેતા રિજુ બિસ્વાસે તેમને અણગમતા મેસેજ મોકલ્યા છે, જેમાં વારંવાર એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે 'તમે સાડીમાં સુંદર લાગો છો'. રિજુ પર સેંકડો મહિલાઓને વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને 'ફ્લર્ટ' કરવા અને તેમને પરેશાન કરવાનો આરોપ છે.
કેવી રીતે ખૂલી રિજુ બિસ્વાસની પોલ?
રિજુ પર આ આરોપો ત્યારે સામે આવ્યા જ્યારે એક મહિલાએ બિસ્વાસ તરફથી આવેલા ડાયરેક્ટ મેસેજનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. આ પછી અન્ય મહિલાઓએ પણ આ જ પ્રકારના અનુભવો ઓનલાઈન પોસ્ટ કર્યા હતા.
એક્ટરે મેસેજ મોકલ્યાની કબૂલાત કરી
37 વર્ષીય અભિનેતાએ આ સંદેશા મોકલવાનો ઇનકાર કર્યો નથી. તેણે પોતે આ મેસેજ મોકલ્યા હોવાની કબૂલાત કરી છે, પરંતુ સાથે જ એમ પણ કહ્યું છે કે તેના ઇરાદા ખોટા નહોતા. એક વીડિયો નિવેદનમાં તેણે કહ્યું, 'મને જૂઠું બોલવું પસંદ નથી. હું આ મેસેજ મોકલું છું, પણ કોઈની તારીફ કરવામાં શું ખોટું છે? કોઈ સાડીમાં સુંદર લાગે છે એમ કહેવું એ એક સામાન્ય તારીફ છે. હું તો મારી માતાને પણ આ જ કહું છું.'
આ પણ વાંચો: શ્રદ્ધા કપૂર મહારાષ્ટ્રનાં લાવણી નૃત્યાંગના વિઠાબાઈની બાયોપિકમાં
સોશિયલ મીડિયા પર મીમ્સની ભરમાર
પોસ્ટ અને જાહેર આલોચના બાદ, બિસ્વાસે પણ 'ઉત્પીડન' અને ખાનગીપણાના ભંગનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સ્ક્રીનશોટ શેર કરનારાઓમાં મોડેલ, બ્લોગર, ઇન્ફ્લુએન્સર અને નોકરી કરતી મહિલાઓ સામેલ છે. એક ન્યુટ્રિશનિસ્ટે 2019નો એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો, જેમાં બિસ્વાસનો આવો જ એક મેસેજ હતો, જે કથિત રીતે સવારે 4:09 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. આ જ રીતે અન્ય એક મહિલાએ 2017નો સ્ક્રીનશોટ શેર કર્યો છે. રિજુની આલોચના થતાં કેટલાક ચાહકો તેમના પક્ષમાં પણ આવ્યા છે, તો વળી કેટલાક તેમને ઠપકો આપી રહ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર આ સંબંધમાં ઘણા મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે.

