બોલીવૂડના જાણીતા ગીતકાર યોગેશનું 77 વરસની વયે નિધન
- પીઢ ગાયિકા લતા મંગેશકરે તેમને શ્રદ્ધાંજલિ આપી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 29 મે 2020, શુક્રવાર
આનંદ ફિલ્મના ગીતો કહીં દૂર જબ દિન ઢલ જાયે અને જિંદગી કૈસી હૈ પહેલી ઉપરાંત રજનીગંધા ફિલ્મનું ટાઇટલ સોન્ગ રજનીગંધા ફૂલ તુમ્હારે જેવા સુમધુર કર્ણપ્રિય ગીતો લખનારા યોગેશ ગોડનું ૨૯મેના રોજ ૭૭ વરસની વયે અવસાન થયું છે.
૧૯ માર્ચના ૧૯૪૩માં લખનઊમાં જન્મેલા યોગેશ ગૌર મુંબઇ કામની શોધમાં આવ્યા હતા. તેમની ક્ષમતાને હૃષિકેષ મુખર્જીએ ઓળખી હતી અને આનંદના ગીતો લખાવ્યા હતા. ત્યાર પછી તેમણે અનેક સુપરહિટ ગીતો આપ્યા. તેમણે સિરિયલોની વાર્તા પણ લખી હતી.
પીઢ ગાયિકા લતા મંગેશકરે તેમને શ્રદ્ધાંજલીઆપતાં ટ્વીટ કર્યું હતું કે, મને હમણાં જ જાણ થઇ કે હૃદયસ્પર્શી ગીતો લખનારો કવિ યોગેશજીનો આજે સ્વર્ગવાસ થઇ ગયો.યોગેશજીના લખેલા ઘણા ગીતો મેં ગાયા છે. તેો શાંત અને મધુર સ્વભાવના હતા. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
યોગેશે ગીતકાર તરીકેની કારકિર્દી ૧૯૬૨માં શરૂ કરી હતી. તેમણે ફિલ્મ સખી રોબિનમાં છ ગીતો લખ્યા હતા. ૧૯૭૬માં છોટી સી બાત, ૧૯૭૯માં બાતો બાતો મેં ૧૯૭૯માં મંઝિલ, ૧૯૭૪માં રજનીગંધા અને અન્ય ફિલ્મોમાં ગીતો લખ્યા છે.
યોગેેશે એક ઇન્ટરવ્યુમાં ંજણાવ્યું હતું કે, જે જોતો હતો, અનુભવતો હતો, જે જીવતો હતો એજ મેં મારા ગીતોમાં ઢાળ્યું છે. મારી આસપાસના લોકોના જીવન પરથી પણ મને ગીત લખવાનો વિષય મળી જતો હતો.