Paresh Rawal On AR Rahman: ઓસ્કર વિજેતા મ્યુઝિક કંપોઝર એ આર રહેમાન છેલ્લા કેટલાક દિવસોથી તેના એક કથિત નિવેદનને લઈને વિવાદોમાં ફસાયા છે. બોલિવૂડમાં સાંપ્રદાયિક ભેદભાવ અને કામ ન મળવા પાછળના કારણો પર તેણે આપેલી પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. જોકે, આ વિવાદ વચ્ચે અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ તેમના સમર્થનમાં આવ્યા છે.
શું હતો વિવાદ?
એક ઇન્ટરવ્યુમાં જાણીતા સંગીતકાર એ. આર. રહેમાને બોલિવૂડમાં સાંપ્રદાયિક્તાને લઈને મોટું નિવેદન આપતાં વિવાદ ઊભો થયો છે. તેમણે કહ્યું છે કે, 'હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા આઠ વર્ષથી મને કામ નથી મળ્યું. મ્યુઝિક ઇન્ડસ્ટ્રી હવે સંગીતકારો અને ડાયરેક્ટર નહીં પણ કોર્પોરેટ સંસ્થાઓના હાથમાં જતી રહી છે. ઇન્ડસ્ટ્રીની સત્તા તેવા લોકોના હાથમાં છે જે ક્રિએટિવ નથી. મને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિક કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જોકે આ બધુ સીધું જ મારી સામે નથી થતું, આવી વાતો મને સાંભળવા મળે છે. જોકે, હું કામની શોધમાં નથી, જે કામ મને મળે છે તેમાં હું ખુશ છું.'
આ નિવેદન વાઇરલ થતા જ કંગના રનૌત, શંકર મહાદેવન અને શાન જેવી હસ્તીઓએ રહેમાનની ટીકા કરી હતી. જોકે, વિવાદ વધતાં રહેમાને માફી પણ માંગી હતી અને સ્પષ્ટતા કરી હતી કે સંગીત હંમેશા લોકોને જોડવાનું કામ કરે છે.
પરેશ રાવલે કર્યું સમર્થન
જ્યારે આખી ઇન્ડસ્ટ્રીમાં રહેમાનના નિવેદનની આલોચના થઈ રહી હતી, ત્યારે પરેશ રાવલે X પર રહેમાનનો એક જૂનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રહેમાન દેશના વખાણ કરી રહ્યા છે. પરેશ રાવલે આ વીડિયો શેર કરતાં હાથ જોડવાની ઈમોજી સાથે લખ્યું, 'અમે તમને પ્રેમ કરીએ છીએ, સર. તમે અમારું ગૌરવ છો.'
આ પણ વાંચો: નોરા ફતેહીએ ભૂષણકુમાર સાથે અફેરની વાત પાંચ વર્ષે નકારતાં આશ્ચર્ય
પરેશ રાવલની પોસ્ટ પર લોકોનો રોષ
રહેમાનનું સમર્થન કરવું પરેશ રાવલને ભારે પડ્યું હોય તેમ લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સે પરેશ રાવલને પણ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું છે. ઘણા યુઝર્સે લખ્યું કે, 'રહેમાન કદાચ તમારા માટે ગૌરવ હશે, અમારા માટે નહીં.' અન્ય એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, 'પરેશજી, 'અમે'ની જગ્યાએ 'હું' લખો તો વધુ સારું રહેશે.' જોકે, કેટલાક લોકોએ પરેશ રાવલની આ વાત સાથે સહમતિ પણ દર્શાવી છે.
રહેમાને મૌન તોડ્યું
રવિવારે એ આર રહેમાને સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ શેર કરીને પોતાની વાત મૂકી હતી. તેમણે સીધી રીતે વિવાદ પર કોઈ ટિપ્પણી કર્યા વગર ભારત, સંગીત અને સંસ્કૃતિ સાથેના પોતાના અતૂટ સંબંધની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે સંગીત મારા માટે હંમેશા પરંપરાઓ અને લોકો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ રહ્યું છે.


