રેટ્રોના પ્રમોશનમાં આદિવાસી સમુદાયનો ઉલ્લેખ કરી વિજય દેવરકોંડા વિવાદમાં
- વિજય દેવરકોંડાએ વિવાદ વકરે તે પહેલાં જ માફી માગી લેતા મામલો થાળો પડયો
મુંબઈ : રેટ્રો ફિલ્મના ઓડિયો લોન્ચ વખતે વિજય દેવરકોંડાએ આદિવાસી સમુદાયનો ઉલ્લેખ કરતાં તેમના નામે વિવાદ ઉભો થતાં તેમણે આ બાબતે માફી માંગતું નિવેદન બહાર પાડવું પડયુ હતું.
હૈદરાબાદમાં યોજાયેલી આ ઇવેન્ટમાં પહેલગામ આતંકી હુમલાને વખોડતાં વિજય દેવરકોંડાએ આદિવાસી સમુદાયનો ઉલ્લેખ કરતાં તેમની સામે શેડયુઅલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડયુઅલ્ડ ટ્રાઇબ્સ(પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ હેઠળ હૈદરાબાદના વકીલ લાલ ચૌહાણે તેમની સામે એસ.આર. નગર પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવી હતી.
વિજય દેવરકોંડાએ આ બનાવને આદિવાસી સમુદાય વચ્ચેના સદીઓ જુના ઝઘડાં સાથે સરખાવ્યો હતો. વિજયકોંડાએ જણાવ્યું હતું કે તેઓ ૫૦૦ વર્ષ અગાઉ આદિવાસીઓ જેમ વર્તતા હતા તેમ વર્તે છે અને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના લડયા કરે છે.
આ મામલે પોલીસ ફરિયાદ થતાં જ વિજય દેવરકોંડાએ નિવેદન બહાર પાડી પોતાની કોમેન્ટને કારણે કોઇની લાગણી દૂભાઇ હોય તો તેની માફી માંગી હતી અને જણાવ્યું હતું કે મેં આદિવાસી શબ્દ ઐતિહાસિક અને શબ્દકોશના સંદર્ભે વાપર્યો હતો. તેમાં અનુસૂચિત જનજાતિએવા વર્ગીકરણનો કોઇ ઉલ્લેખ કર્યો નહોતો. તેમણે જણાવ્યું હતું કે હું હમેશા લોકોની એક્તા અને ઉત્કર્ષ વિશે વિચારું છું.