મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ હજુ પ્લેબેક સિંગર ઝુબીન ગર્ગના નિધનના આઘાતમાંથી બહાર આવી નથી, ત્યાં વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. હવે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના વધુ એક દિગ્ગજનું અવસાન થયું છે. પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સંગીત ઉદ્યોગના સૌથી પ્રખ્યાત સંગીતકારોમાંના એક ચરણજીત આહુજાનું રવિવારે(21 સપ્ટેમ્બર) 74 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમણે ચંદીગઢના પીજીઆઈમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝને આઘાત લાગ્યો છે.
મુખ્યમંત્રી ભગવંત માનએ શોક વ્યક્ત કર્યો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શોક વ્યક્ત કર્યો. ઇન્સ્ટાગ્રામ પર ચરણજીત આહુજાનો ફોટો શેર કરતા ભગવંત માને લખ્યું કે, 'સંગીત સમ્રાટ ઉસ્તાદ ચરણજીત આહુજા સાહેબનું નિધન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ માટે એક મોટું નુકસાન છે. તેમણે બનાવાયેલી ધૂનો હંમેશા પંજાબીઓના દિલો પર રાજ કરશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ભગવાન તેમના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે.'
પંજાબી ગાયક જસબીર જસ્સીની પોસ્ટ
પંજાબી સિંગર જસબીર જસ્સીએ પણ આ દિગ્ગજ સંગીતકાર માટે શોક વ્યક્ત કર્યો હતો. જસ્સીએ ચરણજીત આહુજા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરતા જસ્સીએ લખ્યું, 'પંજાબી સંગીતના રાજા, સંગીતના માસ્ટર, જીવનના માસ્ટર, સમગ્ર વિશ્વના ગુરુ, ઉસ્તાદ ચરણજીત સાહેબજીએ આજે આ નશ્વર દુનિયાને અલવિદા કહ્યું.'


