દિગ્ગજ કોમેડિયન જગદીપ સુપુર્દેખાક અંતિમ વિધિમાં પરિવારજનોની હાજરી
- બોલીવૂડ સેલિબ્રિટીસ થી માંડીને ચાહકોની સોશિયલ મીડિયામાં જગદીપને શોકાંજલિ
- પુત્રો નાવેદ અને જાવેદએ પિતાના જનાજાને કાંધ આપી અંગત મિત્રોની હાજરી : જોની લીવર પણ ઉપસ્થિત રહ્યા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.09 જુલાઈ 2020, ગુરુવાર
વર્ષો સુધી કોમેડિયન તરીકે લોકોને હસાવતા રહેલા ૮૧ વર્ષીય અભિનેતા જગદીપની અંતિમ વિધિ મુંબઈ નજીકના મઝગાંવ સ્થિત કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. જગદીપના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી તેમજ અંગત પરિવારજનોએ ભીની આંખો સાથે તેમને વિદાય આપી હતી. કોરોનાના કારમે અંતિમ વિધિમાં વધુ લોકો હાજર રહી શક્યા નહતા પણ સોશિયલ મીડિયામાં બોલીવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન થી લઈને તેમના ચાહકોએ તેમને શોકાંજલી સાથે શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.
તેમની અંતિમ વિધિમાં જાણીતા કોમેડિયન જોની લીવરે હાજરી આપી હતી. ફિલ્મ સર્જક અને જગદીપના પારિવારિક મિત્ર મોહમદ અલીએ તેમના નિધનના સમાચાર બુધવારે રાતના ૮.૩૦ વાગ્યે આપ્યા હતા. જગદીપનું નિધન મુંબઇના બાંદરાના નિવાસસ્થાને થયું હતું. તેઓ વૃદ્ધાવસ્થાને લગતી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા.
જગદીપે બાળ કલાકાર તરીકે ફિલ્મ લૈલા મજનુ અને અફસાનામાં કામ કર્યું હતું. ત્યાર પછી તેમણે સપોર્ટિંગ રોલની શરૂઆત ફિલ્મ અંદાજ અપના અપના પરથી કરી હતી.તેમની છેલ્લી ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થઇ હતી. અભિનેતા તરીકે તેમણે અંદાજે ૪૦૦ જેટલી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો હતો. જગદીપ તરીકે મશહૂર બનેલા અભિનેતાનું ખરૂ નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતુ. તેમણે જુદી-જુદી ફિલ્મોમાં ઘણી નાની-મોટી ભૂમિકા ભજવી હતી. 'સૂરમા ભોપાલી'ના પાત્રમાં તેમણે પ્રાણ ફૂંક્યા હતા અને તેના થકી તેઓએ લાખ્ખો ચાહકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતુ. તેમણે 'ખિલૌના', 'બ્રહ્મચારી', 'પુરાના મંદિર', 'અંદાઝ અપના અપના' અને 'ફૂલ ઔર કાંટે' જેવી ફિલ્મોમાં પણ યાદગાર પાત્રો ભજવ્યા હતા.
મધર ઈન્ડિયામાં બૈજુના પાત્ર માટે તેેમની પસંદગી થઈ હતી
'મધર ઈન્ડિયા' ફિલ્મમાં સુનિલ દત્તે બૈજુ પાત્ર યાદગાર રીતે ભજવ્યું હતુ. જોકે, સુનિલ દત્તને આ ફિલ્મ મળી તે પહેલા બૈજુના પાત્ર માટે પ્રાથમિક તબક્કે જગદીપની પસંદગી કરવામાં આવી હતી તેમ લેખક-ફિલ્મનિર્માતા રૂમી જાફરીએ જણાવ્યું હતુ.
પિતાએ બોલીવૂડને 70 વર્ષ આપ્યા અને તેમનો પ્રેમ આજે પ્રતિબિંબિત થઈ રહ્યો છે : જાવેદ જાફરી
બોલીવૂડના દિગ્ગજ કોમેડિયન જગદીપના અવસાન બાદ દિગ્ગજ સેલિબ્રિટીઝથી માંડીને અદના ચાહકોએ તેમની કામગીરીને યાદ કરી હતી અને તેમને શ્રદ્ધાસુમન અર્પીત કર્યા હતા. જે અંગે તેમના પુત્ર જાવેદ જાફરીએ જણાવ્યું કે, મારા પિતાએ ૭૦ વર્ષ બોલીવૂડને આપ્યા હતા અને આજે તેમના માટે લોકો જે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે, તે તેનું જ પ્રતિબિંબ છે.