વડોદરામાં વધુ બે અકસ્માત : હાઇવે ઉપર અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવારનું મોત, યુવતી ઇજાગ્રસ્ત
Road Accident in Vadodara: વડોદરામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાહન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે મંગળવારે વધુ બે અલગ અલગ અકસ્માતના બનાવમાં બાઈક સવાર એક વ્યક્તિનું મોત નીપજવા સાથે પરીક્ષા આપવા જઈ રહેલી એક્ટિવા સવાર યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છે.
ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત
બુધવારે રાત્રે નેશનલ હાઇવે 48 ઉપર સુરતથી અમદાવાદ તરફના માર્ગ ઉપર ગોલ્ડન ચોકડી નજીક અજાણ્યા વાહને બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલ 108 એમ્બ્યુલન્સના તબીબે તેને મૃત જાહેર કરતા મૃતદેહને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વડોદરા નજીક સોખડા ખાતેના લાલજીપુરા ગામનો રહેવાસી 39 વર્ષીય પ્રભુદાસ પરમાર હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થીને કારે ટક્કર મારતા ગંભીર ઇજાઓ
બીજા બનાવમાં શહેરના ખોડીયાર નગર ખાતે રહેતી 22 વર્ષીય વિદ્યાર્થીની જાનવીબેન શિંદે એમએસ યુનિવર્સિટી ખાતે પ્રથમ વર્ષમાં બીકોમનો અભ્યાસ કરે છે. ગતરોજ સવારે વિદ્યાર્થીની એકટીવા લઈ બીકોમની પરીક્ષા આપવા માટે નીકળી હતી. આ દરમ્યાન રાજમહેલ મુખ્ય ગેટ પાસે નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ વળાંક લેતા નર્સિંગ હોમ ચાર રસ્તાથી લાલબાગ તરફ પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ એક કારે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી.
વિદ્યાર્થીની બેભાન થઈ જતા રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સયાજી હોસ્પિટલ ખસેડી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં ખભાના ભાગે તથા પગે ફ્રેક્ચર જણાય આવતા તાત્કાલિક ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.
બે દિવસ અગાઉ અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર બે યુવાનોના મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ વાઘોડિયા ચોકડી પાસે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.