ક્રાઈમ પેટ્રોલની અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, કામ ન મળવાથી ડિપ્રેશનમાં હતી
મુંબઈ, તા. 27 મે 2020, બુધવાર
થોડાં દિવસ પહેલાં ટચૂકડા પડદાના અભિનેતા મનમીત ગ્રેવાલે આર્થિક સંડકામણને પગલે આત્મહત્યા કરી હતી તેનો આઘાત હજી વિસરાયો નથી તેનાથી પહેલાં ટી.વી. અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ અકાળે જીવનનો અંત આણીને આ ઈન્ડસ્ટ્રીને વધુ એક આઘાત આપ્યો છે.
'ક્રાઈમ પેટ્રોલ', 'લાલ ઈશ્ક' અને 'મેરી દુર્ગા' જેવા શોમાં નાના નાના પાત્રો ભજવનાર પ્રેક્ષાએ સોમવારે રાત્રે તેના મધ્ય પ્રદેશ સ્થિત ઈન્દોરમાં આવેલા ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. હમણાં તે તેના ઈન્દોર ખાતે આવેલા ઘરમાં પોતાના પરિવારજનો સાથે રહેતી હતી.
પ્રેક્ષાના કુટુંબીજનોએ કહ્યું હતું કે લોકડાઉનને કારણે કામ ન મળતું હોવાથી તે વિચલિત હતી. જ્યારે અભિનેત્રીની પિતરાઈએ જણાવ્યા મુજબ તે એકદમ ચુલબુલી છોકરી હતી. પણ હમણાં થોડા સમયથી શાંત થઈ ગઈ હતી. સોમવારે રાત્રે ઘરના બધા લોકો પાનાં રમી રહ્યાં હતાં ત્યારે પ્રેક્ષા એકલી એકલી ઘરના પગથિયાં પર બેસી રહી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે મારા કાકી (પ્રેક્ષાના મમ્મી)એ તેને પૂછયું પણ હતું કે તું ઠીક છે ને, ત્યારે તેે કહ્યું હતું કે હા, હું ઠીક છું. રાત્રે ૧૦ વાગે તે તેના ઉપર આવેલા ઓરડામાં ગઈ હતી અને ઈન્સ્ટાગ્રામ પર એક મેસેજ મૂક્યો હતો. બીજે દિવસે સવારે મારા કાકી તેને યોગ કરવા માટે ઉઠાડવા ગયા ત્યારે તેના ઓરડાનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે અન્યોની મદદ લઈને દરવાજો ખોલાવ્યો ત્યારે પ્રેક્ષા પંખા સાથે લટકતી જોવા મળી હતી.
પ્રેક્ષાની પિતરાઈએ ઉમેર્યું હતું કે અમારા કુટુંબમાંથી મનોરંજનની દુનિયામાં કદમ મૂકનાર પ્રેક્ષા પહેલી વ્યક્તિ હતી. તે ખૂબ મહેનતુ હતી. તેણે પોતાના શમણાં પૂરાં કરવા ઘણો પરિશ્રમ કર્યો હતો. તેની અપેક્ષાઓ ઘણી ઊંચી હતી.
ઈન્દોર સ્થિત હીરાનગર પોલીસ થાણાના ઈન્સ્પેક્ટર રાજીવ ભદોરિયાએ કહ્યું હતું કે પ્રેક્ષાના ઓરડામાંથી ઓક પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી. તેણે લખ્યું હતું કે 'મેં સકારાત્મક રહેવા ઘણાં પ્રયાસો કર્યા પણ ન રહી શકી. મારા ભીંગી ગયેલા શમણાઓએ મારો આત્મવિશ્વાસ તોડી નાખ્યો છે. હું મરેલા સપનાઓ સાથે ન જીવી શકું. આ નકારાત્મકતા સાથે જીવવું કઠિન છે. છેલ્લાં એક વર્ષથી મેં ઘણાં પ્રયાસો કર્યાં પણ હવે હું થાકી ગઈ છું.' ઈન્સ્પેક્ટર વધુમાં કહ્યું હતું કે તેને કામ ન મળી રહ્યું હોવાથી તે હતાશામાં સરી પડી હતી.