Tunisha Sharma Death: તુનિષા શર્માનો એક્સ બોયફ્રેન્ડ શિઝાન મોહમ્મદ ખાનની ધરપકડ
- પોલીસે તુનિષાના કો-સ્ટાર શિઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલીવ પોલીસમાં FIR નોંધી છે
મુંબઈ, તા. 25 ડિસેમ્બર 2022, રવિવાર
પ્રખ્યાત ટીવી અભિનેત્રી તુનિષા શર્માના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. શનિવારે તુનિષાની લાશ સેટ પર ફાંસી પર લટકતી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે તુનિષાએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી છે. હવે મુંબઈ પોલીસે આ મામલે તુનિષાના પૂર્વ બોયફ્રેન્ડ અને અલી બાબા દાસ્તાન એ કાબુલ અલી સીરીયલ સ્ટાર શિઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી છે. એટલું જ નહીં અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ શિઝાન વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
શિઝાન સાથે રિલેશનશીપમાં હતી તુનિષા
નાના પડદાની જાણીતી અભિનેત્રી તુનિષા શર્મા તેના કો-સ્ટાર શિઝાન મોહમ્મદ ખાન સાથે રિલેશનશિપમાં હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિઝાને તાજેતરમાં જ તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. આના કારણે તુનિષા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને ત્યારબાદ શનિવારે 24 ડિસેમ્બરે તેણે સેટ પર જ ગળે ફાંસો લગાવી દીધો હતો.
પોલીસે તુનિષાના કો-સ્ટાર શિઝાન મોહમ્મદ ખાન વિરુદ્ધ વાલીવ પોલીસમાં FIR નોંધી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આઈપીસી કલમ 306, આત્મહત્યા માટે ઉશ્કેરણીને લઈને શિઝાન સામે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વસઈની કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ મુંબઈ પોલીસ પાસેથી શેજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ રિમાન્ડ પણ માંગવામાં આવશે.
શિઝાનની પૂછપરછ ચાલી રહી છે
શિઝાન ખાનના કેટલાક મિત્રો મુંબઈના વાલિવ પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા હતા. શિઝાનની પૂછપરછ ચાલી રહી છે. શિઝાન ખાનના કેટલાક મિત્રો અને પ્રોડક્શનના કેટલાક લોકો વાલિવ પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ નાયગાંવ સ્થિત સ્ટુડિયોમાં પોલીસ દ્વારા પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. હાલમાં તુનિષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
સાંજે 4:00 વાગ્યે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
તુનિષા શર્માના અંતિમ સંસ્કાર મુંબઈના મીરા રોડ સ્થિત સ્મશાન ભૂમિમાં સાંજે 4:00 વાગ્યે કરવામાં આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે તુનિષાને કેટલાક પેનિક એટેક આવ્યા હતા ત્યારબાદ તેણે ડોક્ટરને બતાવ્યું હતું. જેમાં તબીબે તુનિષાની માતાને જણાવ્યું કે તુનીષાની માનસિક સ્થિતિ સારી નથી અને તે આત્મહત્યાના વિચારો પણ કરી રહી છે. આ કારણોસર તુનિષાની માતાના આરોપના આધારે શિઝાન ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.