પરવીન બાબીની બાયોપિકમાં તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં
- ફિલ્મ નહિ પરંતુ વેબ સીરિઝ બનશે
- શોનાલી બાઝ દિગ્દર્શન કરશે મહેશ ભટ્ટ, કબીર બેદી, અમિતાભની ભૂમિકા પર નજર
મુંબઈ: તૃપ્તિ ડિમરી પરવીન બાબીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ૭૦ અને ૮૦ના દાયકાની ટોચની અભિનેત્રી પરવીન બાબીની બાયોપિક બની રહી હોવાનું લાંબા સમયથી ચર્ચાતું હતું. જોકે, હવે એ નક્કી થયું છે કે આ બાયોપિક ફિલ્મ નહિ પરંતુ વેબ સીરિઝ રુપે બનાવાશે.
દિગ્દર્શક શોનાલી બોઝે આ બાયોપિક માટે તૈયારી શરુ કરી દીધી છે. તૃપ્તિ ડિમરીને પરવીનની ભૂમિકા માટે સાઈન કરી લેવામાં આવી છે અને તૃપ્તિએ શૂટિંગ માટે પોતાની ડેટ્સ પણ આપી દીધી છે.
પરવીન બાબી રિયલ લાઈફમાં મહેશ ભટ્ટ અને કબીર બેદી સાથે સંબંધો ધરાવતી હતી. તેમની ભૂમિકાઓ આ બાયોપિકમાં કેવી હશે અને તે કોણ ભજવશે તે અંગે ઉત્સુકતા સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે મહેશ ભટ્ટ ખુદ પોતાની એકથી વધુ ફિલ્મોમાં પોતાની અને પરવીન બાબીની લવ સ્ટોરીને જુદી જુદી રીતે દર્શાવી ચૂક્યા છે. પરવીન બાબીએ વર્ષો સુધી ગુમનામ રહ્યા બાદ મુંબઈ પાછા ફરીને અમિતાભ બચ્ચન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ બધી વાતો બાયોપિકમાં આવરી લેવાશે કે કેમ તે જોવાનું પણ રસપ્રદ હશે.