'30 વર્ષથી ચૂપ રહી અને અવાજ ન ઉઠાવી શકી...', અભિનેત્રી તૃપ્તિ ડિમરીની વેદના
Dhadak 2 Movie: એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની આવનારી ફિલ્મ 'ધડક 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં તે 'વિધિ'નું પાત્ર ભજવી રહી છે, જે પ્રેમને મેળવવા જાતિવાદનો સામનો કરે છે. તેણે જણાવ્યું કે, આ પાત્રની તેના પર ઊંડી અસર થઈ હતી. તે ઈચ્છે છે કે તે રિયલ લાઇફમાં પણ વિધિ જેવી બની શકે. તૃપ્તિએ જણાવ્યું કે તે રિયલ લાઈફમાં ઈન્ટ્રોવર્ટ છે. બધા સાથે તે ખુલ્લેઆમ પોતાની ફીલિંગ્સ એક્સપ્રેસ કરી શકતી નથી. દરેક વાતને પોતાના મનમાં દબાવી રાખે છે. એક્ટ્રેસે ઘણી વસ્તુઓ જોઈ અને સહન કરી છે, પરંતુ ક્યારેય તેનો વિરોધ કર્યો નથી.
'30 વર્ષથી ચૂપ રહી અને અવાજ ન ઉઠાવી શકી...'
તૃપ્તિએ 'ધડક 2' ફિલ્મમાં તેના પાત્રનું ઉદાહરણ આપી જણાવ્યું કે, ‘જેમ વિધિ સાચું બોલવામાં ક્યારેય નથી ડરી. તેનાથી મને ખૂબ શીખવા મળ્યું છે. કારણ કે તે મને મજબૂત બનાવે છે. હું પોતે ઈન્ટ્રોવર્ટ છું. મેં ઘણી બાબતો સહન કરી છે અને જોઈ છે. પણ મેં ક્યારેય તેના માટે અવાજ નથી ઉઠાવ્યો. મેં મારા જીવનના 30 વર્ષમાં ઘણી વાતો મનમાં દબાવી સહન કરી છે.’
'વિધિ'એ કેવી રીતે કરી હતી મદદ
તૃપ્તિએ આગળ જણાવ્યું કે, ‘મારી હિંમત નહોતી કે, જાહેર માધ્યમથી લોકોને હું કંઈક કહી શકું. મેં શાજિયા (ફિલ્મના ડિરેક્ટર)ને જણાવ્યું કે હું વિધિ જેવી બનવા ઇચ્છું છું. આ ફિલ્મના અંત સુધી મને વિના ડરે બોલવાની હિંમત આવી જવી જોઈએ, ભલે કોઈ પણ પરિણામ હોય. હવે હું સાચી વાત માટે અવાજ ઉઠાવું છું. આ ફિલ્મે મને મારી જાતને વધુ બિન્દાસ રાખવામાં મદદ કરી છે.’
શાજિયા ઇકબાલના દિગ્દર્શન હેઠળ બનેલી 'ધડક 2' 1 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ધડક'ની સ્પિરિચ્યુઅલ સીક્વલ માનવામાં આવે છે અને તમિલ ફિલ્મ 'પરિયેરુમ પેરુમાલ'ની રીમેક માનવામાં આવી છે. તે સિવાય તૃપ્તિ પાસે અન્ય ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સ પણ છે, જેમાં વિશાલ ભારદ્વાજનીની ફિલ્મ શાહિદ કપૂર સાથે અને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' પ્રભાસના અપોઝિટમાં સામેલ છે.