ટાઈગર શ્રોફની નવી ગર્લફ્રેન્ડનું નામ પણ દિશાઃ ચાહકો ઈમોશનલ થયા
- દિશા પટાણી પછી ટાઈગર પણ નવી રિલેશનશિપમાં
- પ્રોડ્કશન એક્ઝિક્યુટિવ દિશા ધાનુકા સાથે ડેટિંગની અફવાઓ જોકે ટાઈગરે રાબેતા મુજબ નકારી
મુંબઈ : દિશા પટાણીએ ટાઈગર શ્રોફ સાથે બ્રેક અપ બાદ પોતે એલેક્ઝાન્ડર એલિક્ સાથે રિલેશનશિપમાં હોવાનું થોડા દિવસો પહેલાં જાહેર કર્યું હતું. હવે બોલીવૂડમાં અફવાઓ એવી છે કે ટાઈગર શ્રોફે પણ નવી ગર્લફ્રેન્ડ શોધી લીધી છે અને તેનું નામ પણ દિશા જ છે. આ અહેવાલ બહાર આવતાં ટાઈગર અને દિશા પટાણીની જોડી જ યથાવત રહે તેવી ઈચ્છા સેવતા કેટલાક ચાહકો ઈમોશનલ બની ગયા હતા. તેમણે કોમેન્ટ કરી હતી કે ટાઈગરે નવી ગર્લફ્રેન્ડ દિશા નામની જ શોધી છે તેનો મતલબ એ કે ટાઈગર શ્રોફના દિલમાં હજુ પણ દિશા પટાણી વસે છે.
બોલીવૂડ વર્તુળોમાં ચર્ચા અનુસાર ટાઈગર શ્રોફ હાલ એક પ્રોડક્શન કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતી દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે.
બંને છેલ્લા કેટલાય મહિનાોથી સાથે છે. ટાઈગરના પરિવારને પણ આ સંબંધની જાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જોકે, આ અફવાઓ પ્રસર્યા બાદ ટાઈગરે બોલીવૂડની સ્ટાઈલમાં તેનો રદિયો આપ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે પોતે છેલ્લાં બે વર્ષથી સિંગલ જ છે.
દિશા ધાનુકાએ આ અફવાઓ અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી.
દિશા પટાણી અને ટાઈગર છ વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. જોકે, તત્કાળ લગ્નના દિશાના આગ્રહને કારણે આ રિલેશનશિપનો અંત આવ્યો હતો.
હજુ થોડા દિવસો પહેલાં જ દિશા પટાણીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે એલેક્ઝાન્ડર એલિકની ઓળખાણ પોતાના બોયફ્રેન્ડ તરીકે આપી હતી.