ટાઈગર શ્રોફ સફળતા માટે સાઉથના ડાયરેક્ટરના શરણે
મુંબઈ : બોલીવૂડના કલાકારોને હવે હાઈ સ્કેલ એક્શન ડ્રામા માટે બોલીવૂડના દિગ્દર્શકો પર ભરોસો રહ્યો નથી. એક પછી એક કલાકારો સાઉથના ડાયરેક્ટરોની ફિલ્મ માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલ પોતાની કેરિયરમાં અનેક પડકારોનો સામનો કરી રહેલો ટાઈગર શ્રોફ પણ હવે સાઉથના ડાયરેક્ટર સચિન રવિની ફિલ્મ કરી રહ્યો છે.
ટાઈગર શ્રોફની મુખ્ય ભૂમિકા ધરાવતી આ એક્શન ફિલ્મ સચિન રવિનું બોલીવૂડમાં પહેલું સાહસ હશે. ફિલ્મને હજુ સુધી કોઈ ટાઈટલ અપાયું નથી. ટાઈગર શ્રોફ સાથે અન્ય કલાકારોની જાહેરાત પણ થઈ નથી. ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરુ થવાનું હોવાનું જાણવા મળે છે.
સચિન રવિ 'અવને શ્રીમન્નાર્યના' ફિલ્મથી જાણીતો છે. આ ઉપરાંત તેણે કન્નડાની સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મોના એડિટર તરીકે પણ કામ કર્યું છે.