Updated: Mar 19th, 2023
મુંબઈ, તા. 19 માર્ચ 2023 રવિવાર
બોલીવુડના કપૂર પરિવારના મોટા ભાગના લોકો દાયકાઓથી ફિલ્મો અને તેની સાથે જોડાયેલા કાર્યોમાં સક્રિય છે. આ પરિવારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ એક્ટર અને એક્ટ્રેસ આપ્યા છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી આ પરિવારના ઘણા લોકોએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દ્વારા નામ કમાયુ. એક્ટર શશિ કપૂર તેમાંથી એક છે જેમણે એક સમયે નેશનલ એવોર્ડ લેવાનો ઈનકાર કરી દીધો હતો.
શશિ કપૂર પોતાની શાનદાર એક્ટિંગ અને ડાન્સ સિવાય કામ પ્રત્યે પોતાની ઈમાનદારી, વિનમ્રતા અને ધગશ માટે જાણીતા રહ્યા. તેમની વિનમ્રતા સાથે જોડાયેલો એક કિસ્સો ખૂબ ચર્ચિત છે. એક્ટરને તેમની ડેબ્યુ ફિલ્મ ધર્મપુત્ર માટે નેશનલ એવોર્ડ માટે પસંદ કરાયા હતા પરંતુ તેમણે નેશનલ એવોર્ડ લેવાનો ઈનકાર કરી દીધો હતો. આ ફિલ્મ 1961માં રિલીઝ થઈ હતી જેમાં તેમનો લીડ રોલ હતો.
શશિ કપૂરના આમ કરવા પાછળ એક ખાસ કારણ હતુ. મળતી માહિતી મુજબ શશિ કપૂરે 2012માં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેઓ ફિલ્મ ધર્મપુત્ર માટે રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ થયા હતા પરંતુ તેમને આ એવોર્ડ લેવાનું યોગ્ય લાગ્યુ નહીં. શશિ કપૂરને લાગતુ હતુ કે ફિલ્મમાં તેમનુ કામ એ લાયક નહોતુ કે તેમને તે માટે નેશનલ એવોર્ડ મળે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'ધર્મપુત્ર'ને યશ ચોપડાએ ડિરેક્ટ કરી હતી.
શશિ કપૂરને સિનેમામાં તેમના યોગદાન માટે ભારત સરકારે 2011માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. એક્ટરને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એક્ટરનું 2017માં 79 વર્ષની ઉંમરે અવસાન થયુ હતુ પરંતુ તેમની ફિલ્મો અને પૃથ્વી થિયેટર કલાના ક્ષેત્રને આજે પણ પ્રભાવિત કરે છે. એક્ટરે વિદેશી એક્ટ્રેસ જેનિફર કેંડલ સાથે લગ્ન કર્યા હતા. તેમને 3 સંતાનો છે.