મુંબઈના દૂરના પરાં નાયગાંવમાં શરૂ થયું એક ધારાવાહિકનું શૂટિંગ
- લોકડાઉન પછી પહેલવહેલું
મુંબઈ, તા.24 જૂન 2020, બુધવાર
ઘણી ધારાવાહિકોનો સર્જકો હજી તેમની સિરિયલોના શૂટિંગ શરૂ કરવાની વેતરણમાં પડયાં છે ત્યાં 'પ્યાર કી લુકા છૂપી'નું શૂટિંગ નાયગાંવ ખાતે મંગળવારે શરૂ પણ થઈ ગયું હતું. રશ્મિ શર્મા નિર્મિતિ આ શોની મુખ્ય અભિનેત્રી અપર્ણા દીક્ષિત શૂટિંગ શરૂ થવાથી રાજી રાજી થઈ ગઈ છે. ત્રણ મહિના પછી સેટ પર પહોંચેલી અપર્ણાએ કહ્યું હતું કે હવે અહીં બધું બદલાઈ ગયું છે. લોકડાઉન પછીનું પહેલા દિવસનું શૂટિંગ અગાઉ જેવું સહજ નહોતું. હવે આપણને કોરોના વાઈરસ સાથે જીવતાં શીખી લેવું પડશે. કાયમ ઘરમાં બેસવાનું આર્થિક રીતે શી રીતે પોસાય?
વાસ્તવમાં આ શોની ટીમ પંદર દિવસ પહેલા જ કામ કરવા તૈયાર હતી. પરંતુ સર્જકો પૂરેપૂરી સલામતીની વ્યવસ્થા કર્યા પછી જ શૂટિંગ શરૂ કરવા માગતા હતા. અપર્ણાએ કહ્યું હતું કે પ્રવેશદ્વાર પર બધાનું ટેમ્પરેચર માપવામાં આવતુ ંહતું. સેટ પર અભિનેતા- અભિનેત્રીઓ સિવાય બધાએ ફરજિયાત ફેસ શિલ્ડ અને માસ્ક પણ પહેર્યાં હતાં. ચારે બાજુ સેનિટાઈઝર મૂકી દેવામાં આવ્યાં હતાં. દર કલાકે બધું સેનિટાઈઝ કરવામાં આવતું હતું. મેકઅપ રૂમમાં બે જણ ફરજિયાત માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને આવ્યાં હતાં. તેમને પણ ચહેરાને અડવાની છૂટ નહોતી. હું સવારના નવ વાગે સેટ પર પહોંચી ગઈ હતી અને ત્રણ વાગે મારું કામ આટોપીને નીકળી ગઈ હતી.
જોકે અપર્ણા પોતે પણ પોતાની સુરક્ષા બાબતે સજાગ હતી. તે પોતાના સૌંદર્ય પ્રસાધનો, સેનિટાઈઝર અને સ્પ્રે પોતાની સાથે લઈ ગઈ હતી. અભિનેત્રી કહે છે કે હું શક્ય એટલી ઓછી વખત ટચ- અપ કરતી હતી. મારો હાથ મારા ચહેરાને ન અડે અ બાબતે હું સજાગ હતી. હું ખાસ કોઈની સાથે વાતચીત પણ નહોતી કરતી. હું જેટલી વાર શોટ આપવા ઉઠતી એટલી વખત મારો મોટરચાલર ખૂણામાં રાખેલી એક ખુરશી સેનિટાઈઝર કરતો અને શોટ પૂરો થતાં હું ત્યાં જ જઈને બેસતી.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે સેટ પર માત્ર ૨૦થી ૩૦ જણ હતાં. કલાકારોમાં હું અને આ ધારાવાહિમાં મારા પિતાની ભૂમિકા ભજવી રહેલા શાહબ ખાન જ હતાં. મેં અને શાહબ ખાને ધૂર દૂર ઊભા રહીને શૂટિંગ કર્યું હતું અને બે શોટ વચ્ચે હું ફેસ શિલ્ડ પહેરી લેતી હતી. જોકે મારો મેકઅપ બગડી ન જાય તેથી હું માસ્ક નહોતી પહેરતી. પરંતુ મેં એકદમ સુવિધા સાથે શૂટિંગ કર્યું હતું.
જોકે હજી સુધી તેણે ઈન્શ્યોરન્સ કવર વિષયક કોઈ ડોક્યુમેન્ટસ સાઈન નથી કર્યાં. પરંતુ તેણે સિરિયલ સર્જકો સાથે તેના વિશે વાત કરી છે.