કાલા પાની વેબસીરિઝનો બીજો ભાગ બજેટના અભાવે કેન્સલ
- પહેલા ભાગની સ્ટોરી બહુ વખણાઈ હતી
- ટીમની સમજાવટ છતાં પણ નેટફ્લિક્સએ પૈસા ફાળવવાની ના પાડી
મુંબઈ : નજીકના ભૂતકાળમાં બહુ જ વખણાયેલી વેબ સીરિઝમાંની એક 'કાલા પાની'ની બીજી સીઝન નહીં બને. નેટફ્લિક્સ દ્વારા બીજી સીઝન માટે બજેટ આપવાનો ઈનકાર કરી દેતાં હાલ પૂરતો આ પ્રોજેક્ટ કેન્સલ કરી દેવાયો છે.
જાણવા મળ્યા મુજબ બીજી સીઝન માટે ઘણી તૈયારીઓ થઈ ચૂકી હતી. આવતા મહિનાથી શૂટિંગ પણ શરુ થવાનું હતું. પરંતુ નેટફ્લિક્સ દ્વારા છેલ્લી ઘડીએ બજેટનો ઈનકાર કરી દેવાયો છે. શોના સર્જકોએ પહેલી સીરિઝને સમીક્ષકો તથા દર્શકો તરફથી આવકાર મળ્યાનું જણાવી બહુ સમજાવટ કરી હતી પરંતુ નેટફલિક્સના અધિકારીઓ ટસના મસ થયા ન હતા. મોના સિંઘ અને આશુતોષ ગોવરીકર સહિતના કલાકારો ધરાવતી આ સીરિઝની થીમ તથા તેની માવજત બહુ જ પ્રશંસા પામ્યાં હતાં. આંદામાન નિકોબારમાં ઔદ્યોગિક તથા માનવીય પ્રવૃત્તિઓનાં કારણે થતાં પ્રકૃતિ સાથે થતાં ચેડાનું કેવું પરિણામ આવે છે અને બાદમાં પ્રકૃતિ જ તેનો કેવો જવાબ શોધી આપે છે તેવી વાર્તા સાથે લોભ, લાલચ, ઈર્ષા, બદલાની મનોભાવના, સ્વાર્થ જેવી માનવસહજ વૃત્તિઓને સરસ રીતે વાર્તા સાથે ગૂંથી લેવાઈ હતી.
આ સીરિઝની બીજી સીઝન નહિ આવે તે જાણીને ચાહકોએ ભારે નિરાશા અનુભવી છે.