Get The App

સૂર સામ્રાજ્ઞી 'આશા ભોસલે' 92 વર્ષે સૂરોમાં સમાઈ ગયા

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
સૂર સામ્રાજ્ઞી 'આશા ભોસલે' 92 વર્ષે સૂરોમાં સમાઈ ગયા 1 - image

'અભી ના જાઓ છોડકર'ની સ્વરાજ્ઞી સંગીતની દુનિયા છોડી ચાલી ગઈ

મુંબઈ: 83 વર્ષની કેરિયરમાં ૨૦થી વધુ ભાષામાં ૧૨૦૦૦થી વધુ ગીતો ગાઈને, બોલિવુડના ૧૯૫૦-૬૦ના દાયકાના  સંગીતમય સુવર્ણયુગથી માંડીને ક્લબ, કેબરે ડાન્સ, વેસ્ટર્ન ધૂનો પરના થિરકાટ, ગઝલો, કવ્વાલી, અર્થગાંભીર્ય ધરાવતી અટપટી ધૂનો, પોપ કલ્ચર અને વિદેશી ગાયકો સાથેના કોલબરેશનથી અનેક પેઢીનો ડોલાવનારી, થિરકાવનારી, મધુબાલાથી સાધના, રેખા , ઝિન્નત, ઉર્મિલા માતોંડકર સુધીની હિરોઈનોને કંઠ આપનારી બોલિવુડના સૌથી નશીલા   અને નટખટ અવાજની માલિકણ આશા ભોસલેનું આજે ૯૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં  હિંદી સિને સંગીતના એક સુવર્ણ યુગનો આજે અંત આવ્યો હતો. ગઈકાલે રાતે  ચેસ્ટ ઈન્ફેક્શનને પગલે હોસ્પિટલ લઈ જવાયા બાદ આશા તાઈના લાડકાં નામે જાણીતાં આશા ભોસલેએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા  ત્યારે ૧૮થી માંડીને ૮૦ વર્ષની વયજૂથના તેમના દરેક પેઢીના  ચાહકો એક અવાજે  તેમનાં જ ગીત 'અભી ના જાઓ છોડકર કિ દિલ અભી ભરા નહીં' ગાઈને રડી પડયા હતા. આવતીકાલે મુંબઈમાં  દાદરમાં શિવાજી પાર્ક ખાતે  સંપૂર્ણ સન્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક મહાનુભવો, રાજકીય નેતાઓ, સંગીતકારો, ઉદ્યોગપતિઓ તથા સમગ્ર બોલિવુડ જગતના નાનામોટા કલાકાર કસબીઓએ આજે તેમને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી હતી. 

આશા ભોસલે એક એવાં  કલાકાર હતાં જેણે સમય, ઉંમર, ટ્રેન્ડ, પેઢી જેવી મર્યાદાઓને હંમેશાં અતિક્રમી હતી. વિશેષણોનો આખો શબ્દ  કોશ ખુટી પડે તે હદે વિવિધ જોનરનાં  ગીતો ગાઈને તેમણે દરેક વર્ગ અને વયજૂથના ચાહકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. હજુ છેક હમણા સુધી  તેમણે કોન્સર્ટ કરવાના ચાલુ રાખ્યા હતા. નવા નવા કલાકરો, નવા નવા  સંગીતકારો સાથે  તેઓ સતત કોલબરેટ કરતાં રહ્યાં  હતાં. આથી જ આજે ઘરઘરમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા અને ટીનેજર  સંતાનો સહિતના ચાહકોએ પણ તેમનાં નિધનથી  આંચકો અનુભવ્યો હતો. 

વડલાની છાયામાં અન્ય કોઈ વૃક્ષ પાંગરી ન શકે  તેવી કહેવત ખોટી પાડી ઘરમાં જ ભારતની કોકિલકંઠી સ્વરકિન્નરી દીદી લત્તા મંગેશકરની હાજરીમાં જ આશા ભોંસલેએ પોતાની વર્સેટિલિટીથી  એક કેડી જ નહીં પરંતુ એવો  રાજમાર્ગ  કંડાર્યો કે જેમણે તેમને ભારતીય હિન્દી સંગીતના સદાબહાર સૌથી  લોકપ્રિય ગાયકો લત્તા મંગેશકર, કિશોર કુમાર, મોહમ્મદ રફી  અને મુકેશની હરોળમાં મૂકી દીધાં  હતાં. એ યુગના એ છેલ્લાં મશાલચી હતી જેમનો જીવનદીપ આજે બૂઝાઈ ગયો  હતો. 

આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ આજે સવારે મીડિયાને જણાવ્યું હતું કે મારા માતાનું નિધન  થયું છે. ચાહકો  લોઅર પરેલ ખાતેના અમારા નિવાસસ્થાને તેમનાં અંતિમ દર્શન  કરી શકશે. આવતીકાલે સાંજે  ચાર વાગ્યે તેમના અંતિમ સંસ્કાર થશે. તેમના નિધનના સમાચાર પ્રસરતાં જ સાઉથ મુંબઈની હોસ્પિટલ ખાતે અને બાદમાં તેમના નિવાસસ્થાને ચાહકો ઉમટવા  શરુ થયા હતા. દેશવિદેશની સેલિબ્રિટીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ આશા ભોસલેએ ગાયેલાં  પોતાના ફેવરિટ ગીતોની યાદી અને લિંક્સ આપીને ટાઈમલાઈન્સ છલકાવી  દીધી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યુું  હતું કે  દાયકાઓમાં પથરાયેલી તેમની અસાધારણ સૂરોની સફરે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ  કરી છે અને સમગ્ર વિશ્વના અગણિત દિલોની સંવેદનાઓને સ્પર્શ કર્યો છે.  ૧૯૪૩માં કેવળ ૧૦ વર્ષની  વયે તેમણે મરાઠી ફિલ્મ 'માઝા  બાલ'માં  પોતાનો કંઠ આપ્યો હતો. તે પછી છેક હજુ હમણા સુધી એટલે કે ૨૦૨૫ સુધી તેમણે ગીતો ગાવાનું અટકાવ્યું ન હતું. ૧૨૦૦૦થી વધુ ગીતો ગાવાના કારણે તેમની  સમગ્ર કારકિર્દીનો સંગ્રહ કરવાનું લગભગ  મુશ્કેલ છે. કદાચ  વિશ્વના  સંગીત ઈતિહાસમાં સૌથી સુદીર્ઘ સંગીત કારકિર્દી  ધરાવનારાં  કલાકારોમાં તેમનું સ્થાન છે. વિશ્વમાં સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.  'આઈયે મહેરબાન', 'પિયા તુ અબ તો આજા' , 'દમ મારો દમ' થી માંડીને 'દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લિજિયે',' મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ', 'દેખા તેરી મસ્ત નિગાહોં મે', 'રાધા કૈસે ન જલે', '  તન્હા  તન્હા યહાં પે જીના',  સહિતનાં ગીતોનાં વૈવિધ્ય દ્વારા તેમણે તમામ કક્ષાના સંગીત ચાહકોને મુગ્ધ કર્યા હતા.  બોલિવુડની લિજન્ડરી ત્રિપૂટી કિશોક કુમાર, મુકેશ અને મોહમ્મદ રફી સાથે તેમણે અનેક યાદગાર ડયુએટ્સ ગાયાં છે. 

આશા ભોસલેનો જન્મ ૧૯૩૩ની આઠમી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામ્ થયો હતો. પિતા દિનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. આશા ભોસલેએ ૧૬ વર્ષની વયે ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યાં  હતાં. લગ્ન  વિચ્છેદ  બાદ તેમણે એકલે હાથે ત્રણ સંતાનોને ઉછેર્યાં હતાં. છેક ૧૯૮૦માં તેમણે તેમનાથી છ વર્ષ નાના આર. ડી. બર્મન સાથે  લગ્ન કર્યાં હતાં. જોકે, ૧૯૯૪માં આર.ડી.   બર્મનનું  પણ નિધન થયું હતું.  હજુ ૨૦૨૩માં તેમના ૯૦માં જન્મદિન નિમિત્તે ેતેમણે દુબઈમાં કોન્સર્ટ યોજી હતી તેમાં વિક્કી કૌશલનાં 'તૌબા તૌબા' ગીત પર ડાન્સ કરીને ચાહકોને હેરત પમાડી હતી. તેમનું છેલ્લું ગીત  'ધી શેડો  લાઈટ' ગોરીલાઝ નાં આલ્બમ 'ધી માઉન્ટેન' માટે  બન્યું હતું. આ આલ્બમ હજુ આ વર્ષની ૨૭મી ફેબુ્રઆરીએ જ રીલિઝ થયું છે.  

- મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરથી  મુંબઈમાં  શ્વાસ થંભ્યાઃ આજે અંતિમ સંસ્કાર થશે 

- ૮૩ વર્ષની કેરિયરમાં ૨૦થી વધુ ભાષામાં ૧૨૦૦૦થી વધુ  ગીતો ઃ મધુબાલાથી માંડીને સાધના, ઝિન્નત, રેખા, ઉર્મિલા સુધીની હિરોઈનોને કામણગારો  કંઠ આપ્યો 

- છેલ્લે અર્જુન તેંડુલકરના  લગ્નમાં હાજરી આપી

આશા ભોસલે જાહેરમાં છેલ્લે અર્જુન તેંડુલકરનાં લગ્ન પ્રસંગમાં દેખાયાં હતાં. તે વખતે જ અનેક ચાહકોએ નોંધ્યું હતું કે વયના કારણે તેઓ અશક્ત  દેખાઈ રહ્યાં છે. ગત પાંચમી માર્ચે   મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં અર્જુન તેંડુલકરનાં  લગ્ન વખતે વેન્યુ ખાતે પ્રવેશતાં આશા  ભોસલેનો વિડીયો વાયરલ થયો હતો. મોટાભાગે એ તેમનો છેલ્લો જાહેર પ્રસંગ બની રહ્યો હતો. 

આશા ભોસલેના લોકપ્રિય ગીતો

આશા ભોસલેના લોકપ્રિય અને જાણીતાં ગીતોનું એક સર્વસામાન્ય લિસ્ટ બનાવવું બહુ જ અઘરું છે. આઠ દાયકાની કેરિયર દરમિયાન તેમણે અનેક વિવિધતાસભર ગીતો ગાયાં છે. લગભગ દરેક સંગીત ચાહકનું આશા  ભોસલેના ગીતોનું જોનર પ્રમાણેનું પ્લેલિસ્ટ અલગ હોઈ શકે છે. તેમ છતાં પણ તેમનાં કેટલાંક જાણીતાં અને આજે સોશિય મીડિયા પર વધુ પોસ્ટ થયેલાં કેટલાંક ગીતો આ પ્રમાણે છે. 

૧. પિયા તુ અભ તો આજા  (કારવાં, ૧૯૭૧)

૨. દમ મારો દમ  (હરે ક્રિષ્ણા હરે રામ, ૧૯૭૧)

૩. ચુરા લિયા હૈ તુમન (યાદો કી બારાત, ૧૯૭૩)

૪. યે મેરા દિલ  (ડોન , ૧૯૭૮)

૫. ઓ હસિના જુલ્ફોવાલી  ( તીસરી મંઝિલ , ૧૯૬૬)

૬. આજ કી રાત  ( ડોન,  ૧૯૭૮)

૭. ઇન આંખોં કી મસ્તી  (ેંઉમરાવજાન, ૧૯૮૧)

૮. દિલ ચીઝ ક્યા હૈ  (ેં ઉમરાવ જાન,  ૧૯૮૧)

૯. યે ક્યા જગહ હૈ દોસ્તો  ( ઉમરાવજાન, ૧૯૮૧)

૧૦. જરા સાહિબ જી  (તીસરી મંઝિલ, ૧૯૬૬)

૧૧. ઉડે જબ જબ જુલ્ફેં તેરી  (નયા દૌર ) , ૧૯૫૭)

૧૨. જાઇએ આપ કહાં જાએંગે  (મેરે સનમ , ૧૯૬૫)

૧૩. દિલબર દિલ સે પ્યાર કરા (કારવાં, ૧૯૭૧)

૧૪. હંગામા હો ગયા  ( અનહોની, ૧૯૭૩)

૧૫. રાત અકેલી હૈ  ( જ્વેલથીફ, ૧૯૬૭)

૧૬. મેરા કુછ સામાન  (ઈજાજત, ૧૯૮૭)

૧૭. કતરા કતરા (ઈજાજત, ૧૯૮૭)

૧૮. દો લફ્ઝોં કી હૈ દિલ કી કહાની ( ગ્રેટ ગેમ્બલર , ૧૯૭૯)

૧૯. મોનિકા ઓ માય ડાલગ ( કારવાં, ૧૯૭૧)

૨૦. રંગીલા રે  ( રંગીલા, ૧૯૯૫)

૨૧. તનહા તનહા ( રંગીલા,  ૧૯૯૫)

૨૨. રાધા કૈસે ના જલે ( લગાન, ૨૦૦૧)

૨૩. કહિં આગ લાગે  ( તાલ, ૧૯૯૯)

૨૪. મેરે મહેબૂબ મેં ક્યા નહીં  ( મેરે મહેબૂબ, ૧૯૬૩)

૨૫. પાન ખાયે સૈયાં હમારો   (તીસરી કસમ), ૧૯૬૬)

૨૬. આઓ હુઝૂર તુમકો  (કિસ્મત, ૧૯૬૮)

૨૭. પરદે મેં રહને દો  (શિકાર, ૧૯૬૮)

૨૮. પિયા બાવરી  (ખૂબસુરત, ૧૯૮૦)

૨૯. દિલ લે ગઈ લે ગઈ (દિલ તો પાગલ હૈ , ૧૯૯૭) 

૩૦.  દેખા તેરી મસ્ત નિગાહોં ( ખિલાડી, ૧૯૯૨) 

આઝાદ ભારતની આધુનિક નારીને આશાએ કંઠ આપ્યો

મુંબઈ: ભારતીય ફિલ્મ સંગીત ક્ષેત્રે દાયકાઓ સુધી એકથી એક ચડિયાતા હિટ ગીતો ગાઈને વિવિધતાસભર કંઠના કામણ કરનારા આશા ભોંસલેનો સ્વર અનંતમાં વિલીન થઈ ગયો છે. જોકે પોેતાના ગીતો દ્વારા આશાજી સદાય સંગીત પ્રેમીઓના હૃદયમાં ધબકતા જ રહેશે.

પારંપારિક  ભારતીય સંગીત અને પાશ્ચાત સંગીતનો સમન્વય સાધીને દરેક પ્રકારના ગીતોને કંઠ આપીને આશા ભોંસલેએ ક્વિન ઓફ વર્સ્ટાલિટીનું બીરૂદ સાર્થક કર્યું હતું. હળવી શાસ્ત્રીય ધૂન, ગઝલ, ભજન, પોપ સોંગ, કેબરે સોંગ અને રોક એન્ડ રોલના ઝમકદાર ગીતો ગાઈને ફિલ્મ સંગીત ક્ષેત્રે તેમણે અનોખું સ્થાન મેળવ્યું હતું.

શરૂઆતના વર્ષોમાં મોટી બહેન લતા મંગેશકર સાથે તેમની સાહજિક રીતે જ સરખામણી થતી હતી. એટલે જ સમય વર્તી સાવધાન બની કંઈક નવું કરી દેખાડવાના મક્કમ નિર્ધાર સાથે આશાજીએ ગાવાની પોતાની આગવી સ્ટાઈલ વિકસાવી હતી. લતા મંગેશકરનો અવાજ એકદમ મુલાયમ હતો. જ્યારે આશા ભોંસલેએ પોતાના કંઠને ધાર કાઢી તિક્ષ્ણ (શાર્પ) બનાવ્યો હતો. એટલું જ નહીં વોઈસ પોપ્યુલેશન પણ ખૂબ જ કર્યું. અગાઉની ફિલ્મોમાં અભિનેત્રીઓ માટે પારંપારિક ઢબના ગીતો ગવાતા હતા. પણ આશા ભોંસલેએ આધુનિક ભારતની આઝાદ નારીનો કંઠ આપ્યો હતો.

રિધમ કિંગ ઓ.પી. નૈયરથી માંડીને બગાવતી બર્મન આર.ડી. બર્મન સુધીના સંગીતકારોએ આશા ભોંસલેને રણકારવાળા કંઠમાં અગણિત ગીતા ગવડાવ્યા. આમ આશાજી કલાસના નહીં માસના સિંગર બની ગયા.

- લતાનો અવાજ એકદમ કોમળ હતો. આશાએ અલગ રાહ કંડારવા  પોતાનો અવાજ શાર્પ બનાવ્યો 

- આશા દરેક પ્રકારનાં  ગીતો ગાવામાં સમર્થ ઃ લત્તા મંગેશકર 

લત્તા મંગેશકરે નસરીન મુની કબીરનાં પુસ્તક 'લત્તા મંગેશકર ઈન હર ઓન વોઈસ'માં જણાવ્યું હતું તેમ આશા  દરેક પ્રકારનાં ગીતો સારી રીતે ગાઈ શકે છે. ઉદાસ ગીત હોય કે પછી ડાન્સ સોંગ , કેબરે હોય કે બીજું કોઈપણ ગીત તે બખૂબી ગાય છે. તે મારી બહેનછે એટલે હું નથી કહેતી પરંતુ તેની આ ખૂબીઓને દર્શાવવી એ મારી ફરજ છે એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે બંને બહેનો એક જ બિલ્ડિંગમાં  રહીએ છીએ. સાથે જમીએ છીએ, એકબીજાનાં  સુખદુઃખમાં  ભાગીદાર બનીએ છીએ. 

- લતા મંગેશકર અને આશા ભોંસલે વચ્ચેની સ્પર્ધા વિશે એક ફિલ્મ બનેલી

મુંબઈ: લતા  મંગેશકર અને આશા ભોંસલે વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા હતી એવું ભલે કહેવાતું હોય, પણ હકીકતમાં એક જમાનામાં એકબીજા વચ્ચે ખરેખરી હરિફાઈ થતી હતી. આ વિષય પર 'સાઝ' નામની એક ફિલ્મ બની હતી. એવું કહેવાય છે કે લતા મંગેશકરનું જ્યારે એકચક્રી શાસન હતું ત્યારે જો કોઈ આશા ભોંસલે પાસે ગીત ગવડાવે તો લતા મંગેશકરને માઠું લાગી જતું હતું અને સંબંધિત સંગીતકાર સાથેના સંબંધ વણસી જતા હતા. 'સાઝ' ફિલ્મમાં આ જ દર્શાવાયું હતું. આ ફિલ્મમાં શબાના આઝમી તથા અરુણા ઈરાનીએ ભૂમિકાઓ ભજવી હતી. 

- તેમનું છેલ્લું ગીત  'ધી શેડો  લાઈટ' ગોરીલાઝ નાં આલ્બમ 'ધી માઉન્ટેન' માટે  બન્યું હતું