સ્પિરિટના સસ્પેન્સનો અંત, પ્રભાસની હિરોઈન તરીકે તૃપ્તિ
- દીપિકાએ ફિલ્મ છોડતાં તૃપ્તિને ફાયદો થયો
- સંદિપ રેડ્ડી વાંગાની જ એનિમલથી તૃપ્તિની કેરિયર ઊંચકાઈ હતી
મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' દીપિકા પદુકોણે છોડી દીધા બાદ હવે તેના સાથે ફાઈનલી તૃપ્તિ ડિમરી ગોઠવાઈ ગઈ છે. અગાઉ એવું ચર્ચાતું હતું કે સાઉથની હિરોઈન ઋકમણિ વસંત પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.
જોકે, તૃપ્તિએ અચાનક જ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતે 'સ્પિરિટ' ફિલ્મમાં જોડાઈ રહી હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં પ્રભાસ સાથે દીપિકાને બદલે હવે તૃપ્તિ હિરોઈની તરીકે જોવા મળશે. તૃપ્તિના ચાહકોએ આ જાહેરાતને વધાવી લીધી છે. તેમના રિએક્શન્સ અનુસાર સંદિપ રેડ્ડી વાંગાએ જ અગાઉ 'એનિમલ' ફિલ્મથી તૃપ્તિને સ્ટારડમ અપાવ્યું હતું.
આ ફિલ્મની મુખ્ય હિરોઈન રશ્મિકા મંદાના હતી પરંતુ તેનાથી વધારે ફાયદો તૃપ્તિને થયો હતો. હવે સંદિપ રેડ્ડી વાંગાની આ ફિલ્મથી તૃપ્તિની કેરિયર વધારે ઊંચકાશે તેવી તેના ચાહકોને આશા છે.
પીઢ ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ પણ તૃપ્તિ 'સ્પિરિટ'ની હિરોઈન બની રહી હોવાની જાહેરાત બાદ અભિપ્રાય આપતાં કહ્યું હતું કે બોલીવૂડમાં તૃપ્તિ બહુ મોટું સ્થાન બનાવવા જઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ફી ઉપરાંત કામના કલાકો સહિતની બાબતે મતભેદ સર્જાતા દીપિકાએ આ ફિલ્મ છોડી દીધી હતી.