Get The App

જાણીતા હોલિવૂડ અભિનેતા ટેરેન્સ સ્ટેમ્પનું નિધન, સુપરમેનમાં 'વિલન'ના રોલ માટે હતા પ્રખ્યાત

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
Terence Stamp Passed Away


Terence Stamp Passed Away: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મો ઉપરાંત ટીવીના લોકપ્રિય બ્રિટિશ અભિનેતા ટેરન્સ સ્ટેમ્પનું નિધન થઈ ગયું છે. તેમણે 87 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવાર દ્વારા તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, ટેરન્સ સ્ટેમ્પએ 'સુપરમેન' ફિલ્મોમાં વિલન 'જનરલ ઝોડ'નો રોલ ભજવ્યો હતો. હવે તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ટેરેન્સ સ્ટેમ્પના અવસાન પરિવારે આપી જાણકારી

17 ઓગસ્ટના રોજ ટેરેન્સ સ્ટેમ્પના પરિવારે મીડિયાને તેમના અવસાનની જાણકારી આપી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતા જાળવી રાખવા વિનંતી કરી. પરિવારે કહ્યું, 'ટેરેન્સ સ્ટેમ્પ એક એવા અભિનેતા અને લેખક હતા, જેમનું ઉત્કૃષ્ટ કાર્ય આપણા બધાના હૃદયમાં કાયમ રહેશે. તેમની કળા અને વાર્તાઓ આવનારા વર્ષો સુધી લોકોને સ્પર્શતી અને પ્રેરણા આપતી રહેશે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી પાસે ગોપનીયતા જાળવી રાખવા વિનંતી કરીએ છીએ.'

ટેરેન્સ સ્ટેમ્પ: સન્માન અને સિદ્ધિઓ

ટેરેન્સ સ્ટેમ્પના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. તેમ છતાં, હોલિવૂડમાં તેમની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. તેઓ ત્રણ વાર ઓસ્કર માટે અને બાફ્ટા એવોર્ડ્સ માટે પણ નોમિનેટ થયા હતા, પરંતુ તે ક્યારેય આ બંને એવોર્ડ જીતી શક્યા નહોતા. જોકે, તેમણે ગોલ્ડન ગ્લોબ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને સિલ્વર બીયર જેવા એવોર્ડ્સ જીત્યા છે.

કારકિર્દીની શરૂઆત એક એડ એજન્સીમાં કામ કરીને કરી હતી

ટેરેન્સ સ્ટેમ્પનો જન્મ 1938માં લંડનના ઇસ્ટ એન્ડમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક એડ એજન્સીમાં કામ કરીને કરી હતી, જેના કારણે તેમને ડ્રામા સ્કૂલમાં અભિનય કરવાનો મોકો મળ્યો. તેમણે અંગ્રેજી ફિલ્મો પહેલાં ઘણી ઇટાલિયન ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની પહેલી હોલિવૂડ ફિલ્મ 'બિલી બડ' વર્ષ 1962માં આવી હતી, જેના માટે તેમને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો.

આ પણ વાંચો: રોલની તૈયારી માટે સ્લમમાં રહી હોવાનો દિવ્યા ખોસલાનો દાવો

સુપરમેનમાં 'વિલન'ના રોલ માટે હતા પ્રખ્યાત

ફિલ્મમાં તેમણે વિલન 'જનરલ ઝોડ'નું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તેઓ પ્રખ્યાત થયા હતા. તેમણે લગભગ 60 વર્ષ સુધી ફિલ્મોમાં અભિનય કર્યો. આ ઉપરાંત, તેમણે માર્વેલ કોમિક્સની ફિલ્મ 'ઇલેક્ટ્રા' અને ટોમ ક્રૂઝની ફિલ્મ 'વૉલ્કરી'માં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમની છેલ્લી ફિલ્મ 'લાસ્ટ નાઇટ ઇન સોહો' 2021માં આવી હતી.

જાણીતા હોલિવૂડ અભિનેતા ટેરેન્સ સ્ટેમ્પનું નિધન, સુપરમેનમાં 'વિલન'ના રોલ માટે હતા પ્રખ્યાત 2 - image

Tags :