અમેરિકન પોપ સિંગર ટેઈલર સ્વિફ્ટ પાસે અબજોની સંપત્તિ છે. દુનિયાભરમાં મશહૂર ટેઈલર સ્વિફ્ટની બ્રાન્ડ વેલ્યૂ પણ અબજોની છે. અનેક એવોર્ડ અને અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવનારી આ પોપ સિંગરની બિલાડી પણ કરોડોની મિલકત ધરાવે છે. બ્રાન્ડ વેલ્યૂની રીતે ટેઈલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સનનું ૮૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય છે.ઓલ અબાઉટ્સ કેટ્સના અહેવાલમાં દુનિયાના સર્વાધિક ધનવાન પાલતુ સજીવોની યાદી જાહેર કરવામાં આવી છે. એમાં ટેઈલર સ્વિફ્ટની બિલાડી ઓલિવિયા બેન્સનને અંદાજે ૮૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ સાથે ત્રીજો ક્રમ અપાયો છે. આ લિસ્ટમાં ગૂંથર-છ નામનો જર્મન શેફર્ડ ડોગ ૫૦ કરોડ ડોલર યાને અંદાજે ૪૧૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. એની માલિકી ઈટાલિયન મીડિયા કંપની ધરાવે છે.બીજા ક્રમે નાલા નામની બિલાડી છે. તેની બ્રાન્ડ વેલ્યૂ લગભગ ૧૦ કરોડ ડોલર એટલે કે અંદાજે ૮૨૬ કરોડ રૃપિયા જેટલી થાય છે. ત્રીજા ક્રમે રહેલી ટેઈલર સ્વિફ્ટની બિલાડી સોશિયલ મીડિયામાં લાખો ચાહકો ધરાવે છે. ઓલિવિયા બેન્સન નામની આ બિલાડીના નામે કેટલાય ફેન પેજ બન્યા છે. ઓલિવિયા ટેઈલર સ્વિફ્ટ સાથે અનેક વીડિયોમાં જોવા મળી ચૂકી છે. ૨૪ કરોડ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતી ટેઈલર સ્વિફ્ટે આ બિલાડીનો એક ફોટો મૂક્યો હતો, જેને ૨૦ લાખ કરતાં વધુ લોકોએ લાઈક કર્યો હતો. તેનાથી બિલાડીની બ્રાન્ડ વેલ્યૂમાં વધારો થયો હતો.ટેલર સ્વિફ્ટ પાસે ઓલિવિયા સહિત કુલ ત્રણ બિલાડીઓ છે. મેરેડિથ ગ્રે અને બેન્જામિન બટન નામની બે બિલાડીઓ પણ ટેલર સ્વિફ્ટ સાથે વીડિયોમાં જોવા મળી ચૂકી છે. ૧૧ ગ્રેમી એવોર્ડ મેળવનારી ટેઈલર સિફ્ટ દુનિયાભરમાં બેહદ લોકપ્રિય છે.


