તમિલ અભિનેત્રી દીપા ઉર્ફે પૌલિન જેસિકાએ કરી આત્મહત્યા
નવી મુંબઇ, તા. 20 સપ્ટેમ્બર 2022, મંગળવાર
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે તમિલની પ્રખ્યાત અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું 18 સપ્ટેમ્બરે ચેન્નાઈમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હોવાના અહેવાલ છે.
ઘરમાં મૃત હાલતમાં મળ્યો શવ
સાઉથ ફિલ્મ 'વૈધા'ની અભિનેત્રી પૌલિનનો મૃતદેહ પોતાના જ એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. એવી આશંકા છે કે, પૌલીને તેના અંગત જીવનમાં મુશ્કેલીના કારણે આત્મહત્યા કરી છે.આ ઘટનાને લઇને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
કોયમ્બેડુ પોલીસને જેસિકાના પાડોશીઓએ તેના મૃત્યુ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કિલપૌક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જે બાદ અભિનેત્રીના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી અને તેના મૃતદેહને આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું, "અમે લોકપ્રિય અભિનેત્રી પૌલિન જેસિકાની કથિત આત્મહત્યાની દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ અને CCTV ની મદદ લઈ રહ્યા છીએ."
આત્મહત્યા પહેલાં ઓટોમાં ઘરે પહોંચી અભિનેત્રી
પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પૌલિનના ઘરે કોણ આવ્યું હતું. આત્મહત્યાના દિવસ પહેલા તે ઓટોમાં તેના એપાર્ટમેન્ટમાં પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ આત્મહત્યાનો મામલો છે કે પછી કોઈએ તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તેના મૃત્યુ પાછળ એક નિષ્ફળ સંબંધ હતો.