VIDEO: 'તારક મહેતા...'માં ફરી કમબેક કરશે 'સોઢી', ગુરૂચરણ સિંહે કહ્યું- 'બાબાજીએ મારી પ્રાર્થના સાંભળી'

Gurucharan Singh: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ ઘણા લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. કોરોના પછી લગભગ 3 વર્ષ પહેલાં તેમના ગુમ થવાના સમાચાર આવ્યા હતા. કહેવાયું હતું કે તેઓ દિલ્હીના પોતાના ઘરેથી મુંબઈ જવા નીકળ્યા હતા અને ત્યાર પછી તેઓ ગુમ થયા હતા. જોકે, લગભગ ત્રણ અઠવાડિયા પછી ગુરચરણ પોતે જ ઘરે પાછો આવ્યા હતા. ત્યારબાદ તેણે સ્પષ્ટતા આપી કે આર્થિક સમસ્યાના કારણે તે હેરાન હતો. તેની પાસે કોઇ કામ નહોતું. હવે લાંબા સમય બાદ તેણે ખુશી વ્યક્ત કરતા એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જલ્દી જ સારા સમાચાર આપવાની વાત કરી છે.
'મારી પાસે ખૂબ જ સારા સમાચાર'
ગુરચરણ સિંહે ઇન્સ્ટાગ્રામ પર આ વીડીયો પોસ્ટ કરતા કહ્યું કે, 'આજે, હું ઘણા દિવસો પછી તમારી સમક્ષ આવ્યો છું. બાબાજીએ મારી, મારા પરિવારની અને તમારા બધા ચાહકોની પ્રાર્થના સાંભળી છે. હું તમારા બધાનો હૃદયથી આભાર માનું છું. મારી પાસે ખૂબ જ સારા સમાચાર છે જે હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશ. મારા માટે પ્રાર્થના કરવા બદલ તમારા બધાનો આભાર, અને હું તેને ક્યારેય ભૂલીશ નહીં.'
અફવાઓથી પરેશાન ગુરચરણ
એક ઈન્ટરવ્યુમાં ગુરચરણ સિંહે પોતાની હેલ્થ અને ફાઇનાન્સિયલ સ્થિતિ વિશે વાત કરી છે. તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીને પ્રોડક્શનમાં કામ આપવાની વિનંતી કરી હતી. ગુરચરણે કહ્યું કે, 'હું બધા લોકોને ગુરુપરબની શુભેચ્છા પાઠવવા માગતો હતો. એ દિવસે ગુરુદ્વારા જવાનું હતું પરંતુ તબિયત ખરાબ થઈ ગઈ અને મારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. મને હોંશ આવ્યો ત્યારે ડૉક્ટરોએ ગ્લુકોઝ આપ્યું. મને લાગ્યું કે મારા ચાહકોને શુભેચ્છા આપવી જોઈએ, તેથી મેં વીડિયો બનાવ્યો, અને વીડિયો વાઇરલ થઈ ગયો. મને ખબર જ નહોતી કે મારા વીડિયોથી વિવાદ થશે. હું દરેક કામ દિલથી કરું છું, પણ લોકો ખોટો અર્થ કાઢે છે.'
મને અનપ્રોફેશનલ કહેવામાં આવ્યો: ગુરચરણ
તેણે આગળ કહ્યું કે, 'એક સમાચાર આવ્યા હતા કે હું ‘તારક મહેતા’ના સેટ પર ખૂબ અનપ્રોફેશનલ હતો. આ વાંચીને મને ખુબ ગુસ્સો આવ્યો. મેં આ શોને 13-14 વર્ષ આપ્યા છે, દિલથી કામ કર્યું છે. મારી કમર તૂટી ગઈ હોવા છતાં હું હોસ્પિટલથી કામ કરતો હતો. આવા સમયે આવી વાતો સાંભળવી ખુબ દુઃખદ છે. મેં મારી આ વાત સાંભળીને સીધો ક્રિએટિવ હેડ સોહેલને ફોન કરીને પૂછ્યું કે શું ક્યારેય તેમને મારી સાથે એવો અનુભવ થયો છે? તેમણે ના કહ્યું. પછી મેં કહ્યું કે તમે મારા સાથે લાઈવ પર જોડાઓ અને કહો કે હું પ્રોફેશનલ એક્ટર છું નહીં તો હું માનું કે આ રિપોર્ટ તમારી તરફથી આવ્યો છે. પછી સોહેલે લાઈવ કરી અને સત્ય જણાવ્યું. વાત ત્યાં પૂરી થઈ ગઈ.'
અસિત મોદી પાસે કામની વિનંતી
ગુરચરણ સિંહે આગળ જણાવ્યું કે, 'હું મારી બીજી ઇનિંગ માટે ઉત્સાહિત છું. મને લોકોના ચહેરા પર હાસ્ય લાવવું ખૂબ યાદ આવતું હતું. લોકો મને મિસ કરે છે. પરંતુ અસિત ભાઈ અને હું બન્ને માનીએ છીએ કે બલ્લુ છેલ્લા ચાર વર્ષથી એ ભૂમિકા ભજવી રહ્યો છે, તેથી તેની જગ્યા લેવી યોગ્ય નથી. હું કોઈની રોજી-રોટી છીનવી શકું નહીં. મેં અસિત ભાઈને કહ્યું હતું કે મને પ્રોડક્શન ટીમમાં કંઈક કામ આપો. હું કલાકારોની સમસ્યાઓ સમજી શકું છું અને તેમને મદદ કરી શકું છું જેથી તેઓ શો છોડે નહીં.'
ગુરચરણ સારા કામની શોધમાં
ગુરચરણ સિંહે આગળ જણાવ્યું કે, 'મને તાજેતરમાં એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મળ્યું છે અને તે યોગ્ય સમયે આવ્યું છે. ભક્તિ એક ખાસ મિત્ર છે, જેણે હંમેશા મને સપોર્ટ કર્યો છે. પણ મને દર મહિને આવી રાહત જોઈએ, કારણ કે દર મહિને આવક હોવી જરૂરી છે. જેમ અમિતાભ બચ્ચને 25 વર્ષ પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’થી આર્થિક સંકટમાંથી બહાર આવ્યા, તેમ મને પણ સતત કામની જરૂર છે. હું સારા કામની અને એવા પ્રેક્ષકોની શોધમાં છું, જે પરિવાર સાથે જોઈ શકાય તેવી કન્ટેન્ટ પસંદ કરે. ‘તારક મહેતા’ સફળ રહ્યો કારણ કે આખું પરિવાર સાથે બેસીને જોઈ શકતું હતું. મારા પર એ પ્રેમનો ઋણ છે જે મને ચૂકવવું છે.'