સુશાંત સિંહની આખરી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઇએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે
- સુશાંતના પ્રશંસકોએ આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની ઇચ્છા જતાવી હતી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 25 જૂન 2020, ગુરુવાર
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ફિલ્મને જુલાઇ માસમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મને થિયેટરોના બદલે ઓટીટી પ્લેટફોર્મ પર ૨૪ જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ કેન્સરના બે દરદીઓની છે જેઓ પ્રેમમાં પડી જતા હોય છે.
સુશાંતની ફિલ્મ દિલ બેચારાને ગયા નવેમ્બર માસમાં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ સંજોગોવશાત આમ થઇ શક્યું નહોતું. થોડા વખત પહેલા એવા સમાચાર હતા કે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવે. પરંતુ સુશાંતના પ્રશંસકો આ વાતથી નારાજ થઇ ગયા હતા, અને તેમણે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની અપીલ કરી હતી. તેમનું કહેવું હતું કે, આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવામાં આવે તો સુશાંતને શ્રદ્ધાંજલિ તરીકે સમર્પિત કહેવાશે. પરંતુ હવે આ ફિલ્મને ઓટીટી પર જ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુશાંતની આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા માટે પટણામાં થોડા દિવસો પહેલા પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.જેમાં મુખ્યમંત્રી નીતીશ કુમારને વિનંતી કરવામાં આવી હતી કે આ ફિલ્મને મોટા પડદા પર રિલીઝ કરીને સુશાંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવે.
સુશાંતની આ છેલ્લી ફિલ્મ દિલ બેચારા ડિઝની હોટ સ્ટાર પ્લસ પર ૨૪ જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. જેનું દિગ્દર્શન મુકેશ છાબડાનું છે.