સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરૂધ્ધ કેસ
મુઝફ્ફરપુર, 20 જુન 2020 શનિવાર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે બિહારના મુઝફ્ફરપુરમાં બીજી ફરિયાદ નોંધાઈ છે. શનિવારે મુઝફ્ફરપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેની કથિત પ્રેમિકા અને અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે શનિવારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ પતાહીના રહેવાસી કુંદન કુમારે નોંધાવી છે. આ મામલે 24 જૂને સુનાવણી થશે. કલમ 420 અને 306 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મિડિયા સાથેની વાતચીતમાં ફરિયાદ નોંધાવનારા કુંદન કુમારે કહ્યું છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતને એક ષડયંત્ર હેઠળ પ્રમજાળમાં ફસાવ્યો હતો. આ પછી રિયા ચક્રવર્તીએ સુશાંતની મદદ લઇને ઘણા ફાયદા મેળવ્યા. સુશાંત આ સંબંધને વાસ્તવિક સંબંધ માનતો હતો. જ્યારે રિયા તેનો સંપૂર્ણ ઉપયોગ કરી રહી હતી.
કુંદન કુમારે આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતે પરિવારના સભ્યો સાથે વાત કર્યા પછી રિયા ચક્રવર્તી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ દરમિયાન, રિયાએ સુશાંત સાથેના તેના સંબંધોને સમાપ્ત કર્યા. આટલું જ નહીં. દરમિયાનમાં રિયા સુશાંતને ક્યારેક-ક્યારેક ફોન કરીને ઉશ્કેરતી હતી, જેના કારણે સુશાંત ડિપ્રેશનમાં આવી ગયો અને આત્મહત્યાનાં પગલું ભરવાની ફરજ પડી હતી. કુંદન કુમારે જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે રિયા ચક્રવર્તીની જાળમાં આવીને પોતાનો જીવ ગુમાવ્યો.
મુઝફ્ફરપુરમાં નોંધાયેલા કેસમાં સલમાન ખાન, કરણ જોહર, આદિત્ય ચોપડા, શાજિદ નાદિયાદવાલા, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર, દિનેશ વિજયા અને ટી સીરીઝનાં ભૂષણ કુમાર પર આરોપ મુકાયા છે. મુકદ્દમામાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂત હજી પણ ફિલ્મ ઉદ્યોગમાં નંબર વન હતો. આરોપીઓ તેમને અપમાનિત કરવાની કાવતરું ઘડી રહ્યા હતા.
આ ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો દ્વારા સુશાંતનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેની ફિલ્મોને રિલીઝ થવા દેતા નહોતા. આરોપી ઈચ્છતા ન હતા કે બિહારનો આ ઉભરતો કલાકાર તેને પાછળ છોડી આગળ નિકળી જાય. આથી એવી સ્થિતિ ઉભી થઈ કે સુશાંત સિંહને આત્મહત્યાનાં પગલાં ભરવાની ફરજ પડી.