જ્યારે દિગ્દર્શકે બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો... જાણીતી એક્ટ્રેસનું દર્દ છલકાયું
Image Source: Twitter
Surveen Chawla: એક્ટ્રેસ સુરવીન ચાવલા વર્ષોથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેણે ઘણી પોપ્યુલર સીરિયલ અને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસે લગ્ન અને પુત્રીના જન્મ પછી લાંબો બ્રેક લીધો હતો અને હવે OTT પર જબરદસ્ત વાપસી કરી છે. તેને તાજેતરમાં પંકજ ત્રિપાઠીની 'ક્રિમિનલ જસ્ટિસ'ની નવી સીઝનમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે એક્ટ્રેસ વાણી કપૂર સાથે 'મંડલા મર્ડર્સ'માં જોવા મળશે. ત્યારે આ વચ્ચે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સુરવીને કાસ્ટિંગ કાઉચના કારણે ઈન્ડસ્ટ્રી છોડવા અંગે વાત કરી છે. આ સાથે જ તેણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે એક દિગ્દર્શકે તેને બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઈન્ડસ્ટ્રી છોડવા માગતી હતી સુરવીન
સુરવીને સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં કહ્યું કે, 'એક સમય હતો જ્યારે કાસ્ટિંગ કાઉચ એટલું સામાન્ય બની ગયુ હતું કે મારો ઈન્ડસ્ટ્રીમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. બહાર નીકળવું પણ ગંદુ લાગવા લાગ્યુ હતું. મને લાગ્યું કે, 'હું આ કરવા નથી માગતી.' તે સમયે આ બધુ ટ્રેન્ડમાં હતું. મારે સમાધાન ન કરવા બદલ ખૂબ નુકસાન વેઠવું પડ્યું. જ્યારે પણ હું ના કહેતી ત્યારે મારો રોલ છીનવાઈ જતો હતો. માત્ર એટલા માટે કે મારી પાસે ના કહેવાની અથવા મારી મર્યાદા નક્કી કરવાની હિંમત હતી. એક સમય એવો આવ્યો જ્યારે મને લાગ્યું કે હું હવે તે કરી શકતી નથી. તે ફેઝ ખૂબ જ મુશ્કેલ હતો. મને લાગ્યું કે હું થાકી ગઈ છું, આ તે નથી જેના માટે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવી છું.'
દિગ્દર્શકે બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો
સુરવીને અન્ય એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો કિસ્સો શેર કર્યો હતો જે મુંબઈના વીર દેસાઈ રોડનો હતો. તેણે જણાવ્યું કે, એક દિગ્દર્શક સાથે મુલાકાત દરમિયાન તેણે મને બળજબરીપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે તેની કેબિનમાં મારા લગ્નની ચર્ચા કરી હતી. તે મારો પતિ કેવો છે તે અંગે પૂછી રહ્યો હતો. જ્યારે હું બાય કહેવા માટે દરવાજા પાસે પહોંચી, ત્યારે તે નીચે ઝૂકીને મને કિસ કરવા લાગ્યો. મારે તેને પાછળ ધકેલવો પડ્યો. હું ચોંકી ગઈ અને ત્યાંથી નીકળી ગઈ. ઉલ્લેખનીય છે કે સુરવીન હવે પોતાના કામ માટે પ્રશંસા મેળવી રહી છે.