શ્રેયસ તલપડેને સુપ્રીમ કોર્ટે આપી રાહત: કરોડોની છેતરપિંડીના કેસમાં ધરપકડ પર સ્ટે
Shreyas Talpade Got Relief: 'ગોલમાલ' ફેમ અભિનેતા શ્રેયસ તલપડેને એક મલ્ટી માર્કેટિંગ ફર્મ સાથે જોડાયેલા છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 9.12 કરોડના છેતરપિંડીના કેસમાં એક્ટરની ધરપકડ પર સ્ટે મૂક્યો છે.
કોર્ટે હરિયાણા પોલીસને નોટિસ ફટકારી
આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે અભિનેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર હરિયાણા પોલીસ અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે.
તલપડે અને આલોક નાથ સહીત 13 લોકો પર થઈ હતી FIR
સોનીપતમાં એક સોસાયટી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ પર અભિનેતા અને બ્રાન્ડ એમ્બેસેડર શ્રેયસ તલપડે અને આલોક નાથ સહિત 13 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આ મામલે સોનીપતના મુરથલના અધિક પોલીસ કમિશનર અજિત સિંહે કહ્યું હતું કે, ફરિયાદ એક મલ્ટી-માર્કેટિંગ કંપની વિરુદ્ધ છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મેઘાલય હનીમૂન મર્ડર કેસ પર ફિલ્મ બનાવવાની તૈયારી, બોલિવૂડના આ ખાનની છે નજર
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં એક સોસાયટીએ શ્રેયસ તલપડે અને આલોક નાથને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરીને ચિટ ફંડ યોજના શરૂ કરી હતી. જેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે 6 વર્ષમાં રકમ બમણી કરવાની લાલચ આપીને 45 લોકો પાસેથી 9.12 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સંચાલકોએ એજન્ટ તરીકે જોડાયેલા લોકોને મેનેજરનું પદ આપીને અન્ય લોકોને જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કરોડો રૂપિયાની ઉચાપત કર્યા પછી નવેમ્બરમાં સોસાયટીની ઓફિસો અચાનક બંધ થવા લાગી. ત્યારબાદ પીડિતોએ અલગ-અલગ જગ્યાએ FIR નોંધાવી. પરંતુ કંઈ થયું નહીં. મુશ્કેલીમાં મુકાયેલા રોકાણકારોએ કોર્ટમાં અરજી દાખલ કરી. ત્યારબાદ લખનઉના ગોમતીનગર વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેતા અને સંચાલક સહિત 7 લોકો વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, હ્યુમન વેલ્ફેર ક્રેડિટ એન્ડ થ્રીફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના નાણાકીય છેતરપિંડીના અનેક કેસોમાં નામ આવ્યા બાદ શ્રેયસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. એક્ટરે તમામ FIRને એકસાથે જોડવાની અને તપાસ લખનઉ ટ્રાન્સફર કરવાની માગ કરી હતી.