સની દેઓલને પિતા ધર્મેન્દ્રની જીવનકથની બનાવામાં રસ
- દેઓલ પરિવાર અન્યોને મદદ કરવામાં અગ્રેસર છે પરંતુ તેને જાહેર કરવામાં માનતા નથી
(પ્રતનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 ડિસેમ્બર 2018, સોમવાર
સની દેઓલને પિતા ધર્મેન્દ્રની જીવનકથની પર ડોક્યુમેન્ટરી-ડ્રામા બનાવામાં રસ જાગ્યો છે. હાલ બોલીવૂડ લોકોને પ્રેરણા આપતી ફિલ્મો બનાવી રહ્યું છે. અત્યાર સુધીમાં બારેક બાયોપિક રૂપેરી પડદે રીલિઝ થઇ ગઇ છે. આ ઉપરાંત ઘણીની જાહેરાત થઇ છે તેમજ ઘણીની તૈયારી ચાલી રહી છે. એવામાં સની દેઓલે પણ પિતા ધર્મેન્દ્રની ડોક્યુ-ડ્રામાની વાત કરી છે.
સનીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ ંહતું કે, '' પાપાને સલામ. તેમને પોતાની ફિલ્મની નાનામાં નાની વાત પણ આજે યાદ છે. એટલું જ નહીં આ દરમિયાન તેમને મળેલા લોકો વિશે પણ તેમને યાદ છે. તેમને સઘળું જ યાદ છે. તેથી મને લાગે છે કે તેમની જીવનકથની બનાવાનો આ ઉત્તમ સમય છે. હું ડોક્યુ-ડ્રામા બનાવી રહ્યો છું. અને પુસ્તક બનાવા ઇચ્છી રહ્યો છું જેથી તેના ચાહકના ઘરે ઘરે પહોંચે. પાપાની સફર તેમના ચાહકો જુવે તેવા પ્રયાસ કરશું. તેમની સાથે કામ કરનારાઓ સાથે પણ વાતચીત કરવામાં આવશે. એક વ્યક્તિની જિંદગી તેની એકલાની નથી હોતી. તેમાં ઘણા લોકો સામેલ હોય છે. તેથી અમે એ તમામ સાથે વાત કરવાના પ્રયાસ કરશું.
સની પંજાબના ગામડાની પિતાની સફર થી લઇ મુંબઇના સિમેન્ટના જંગલની વાત વણવા ચાહે છે. આફિલ્મ માટેની સંપૂર્ણ ટીમ જેવી કે લેખકો, કેમેરા ક્રુ તેમજ અન્ય ટેકનિશયોની પસંદગીનો નિર્ણય જલદીજ લેવામાં આવશે.