સની દેઓલની 'ગદર 2'માંથી 'હર હર મહાદેવ' અને 'શિવ તાંડવ' હટશે, સેન્સર બોર્ડે કર્યા 10 મોટા ફેરફાર
સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર-2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે
Image:Twitter |
સની દેઓલની ફિલ્મ 'ગદર 2' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફેન્સમાં આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર અક્ષય કુમારની 'OMG 2' સાથે થશે. બંને ફિલ્મો 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. એક તરફ સેન્સર બોર્ડે 'OMG 2'માં ઘણા ફેરફાર કર્યા છે અને તે પછી પણ ફિલ્મને 'A' સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે 'ગદર 2' પર પણ બોર્ડની કાતર ચાલી ગઈ છે. સની દેઓલની ફિલ્મને 'UA' સર્ટિફિકેટ મળી ગયું હોવા છતાં સેન્સર બોર્ડે તેમાં દસ ફેરફારો સૂચવ્યા છે.
સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવ્યા 10 ફેરફારો
- રમખાણો દરમિયાન તોફાનીઓએ લગાવેલા 'હર હર મહાદેવ'ના નારાને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને આ નારાઓને ફિલ્મના સબ ટાઇટલમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી.
- ફિલ્મમાં તિરંગાને બદલે 'ઝંડે' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે અને આને લગતો ડાયલોગ હવે આ રીતે હશે... 'હર ઝંડે કો... મેં રંગ દેંગે'.
- 'ગદર 2' માં એક વેશ્યાલયની પૃષ્ઠભૂમિમાં એક ઠુમરી ગવાય છે, જેના ગીતો આ પ્રમાણે છે - 'બતા દે સખી... ગયે શામ'... જે હવે બદલીને 'બતા દે પિયા કહાં બિતાઈ શામ' કરવામાં આવ્યા છે.
- કુરાન અને ગીતાના સંદર્ભમાં ફિલ્મમાં એક સંવાદ છે જે આ મુજબ છે - 'દોનો એક હી તો હૈ, બાબા નાનકજીને ભી યહી કહા હૈ'. સેન્સર બોર્ડના સૂચન પર હવે તેને બદલીને 'એક નૂર તે સબ ઉપાજે, બાબા નાનકજી ને ભી યહી કહા હૈ' કરવામાં આવ્યું છે.
- સેન્સર બોર્ડે 'ગદર 2' ના અંતમાં હિંસા અને રક્તપાતના દ્રશ્યો દરમિયાન 'શિવ તાંડવ'ના શ્લોકો અને શિવ મંત્રોના જાપમાં ફેરફાર કર્યો છે અને બેકગ્રાઉન્ડ,માં સામાન્ય સંગીત વગાડવાની મંજૂરી આપી છે.
- સેન્સર બોર્ડે નિર્માતાઓને ફિલ્મમાં ઉપયોગમાં લેવાતા તમામ શ્લોક અને મંત્રોની અનુવાદ નકલો સબમિટ કરવાની સૂચના પણ આપી છે.
- 'ગદર 2'માં વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના સંદર્ભમાં ઘણી બધી વાતો કહેવામાં આવી છે, જેના સંદર્ભમાં સેન્સર બોર્ડે નિર્માતાઓને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા કહ્યું છે.
- સેન્સર બોર્ડના હટાવેલા સીનની લિસ્ટ અનુસાર ફિલ્મમાં 'બાસ્ટર્ડ' શબ્દની જગ્યાએ 'ઇડિયટ' શબ્દ મૂકવામાં આવ્યો છે.
- સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મ શરૂ થતા પહેલા સ્ક્રીન પર દેખાડવામાં આવતા ડિસ્ક્લેમરમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી છે.