મુંબઈ, 6 જાન્યુઆરી 2023
UP CMએ મુંબઈમાં કરી મીટીંગ:
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ગત ગુરુવારે મોહનગરી મુંબઈની મુલાકાતે ગયા હતા. અને ત્યાં યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશમાં ભવિષ્યમાં નિર્માણ પામનારી ફિલ્મ સીટી માટે તેઓ મુંબઈ આવ્યા હતા.
આ દરમિયાન તેમણે યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ માટે અમુક મોટા બિઝનસમેન સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બોલીવુડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીએ યુપીના સીએમને બોલીવુડ બોયકોટ બંધ કરાવવા માટે અપીલ કરી હતી.
સુનીલ શેટ્ટીએ યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત:
યોગી આદિત્યનાથે મુંબઈની મુલાકાત દરમિયાન બોલીવુડ હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી અને તેમાં 90ના દશકના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટી પણ આદિત્યનાથને મળવા પહોચ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં સુનીલ શેટ્ટીએ બોલીવુડને બોયકોટ કરવાના ટ્રેન્ડ વિશે ટીપ્પણી કરતા કહ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીમાં 99% લોકો એવા છે જે ડ્રગ્સ નથી લેતા"
તેમણે વધુમાં કહ્યું હતું કે સેલેબ્સ આખો દિવસ ડ્રગ્સનો નશો નથી કરતા, કે ના દરેક અભિનેતા ખરાબ કામ કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં લગભગ 99%થી વધુ લોકો સારા છે અને તેમના દમ પર જ ભારતને બીજા દેશો સાથે અમારી ફિલ્મો અને સંગીતે જોડ્યું છે. અમુક લોકોના લીધે આખી ઇન્ડસ્ટ્રીને બદનામ કરવી તે યોગ્ય નથી.
બોયકોટના ટ્રેન્ડને રોકવો જરૂરી:
પોતાની વાત યોગી આદિત્યનાથ સામે રજુ કરતા સુનીલ શેટ્ટીએ તેમને વિનંતી કરતા કહ્યું હતું કે, " ઇન્ડસ્ટ્રીના વિરોધમાં ચાલી રહેલા બોયકોટ ટ્રેન્ડને અટકાવવો જોઈએ. તેનાથી ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન વેઠવું પડી રહ્યું છે. મારી તમને અરજી છે કે તમે આ વિષય પર ચર્ચા કરો અને આ બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરવા ભલામણ કરી હતી. તેમનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે લોકોમાં રહેલી વિરોધની લાગણીને રોકવી અનિવાર્ય થઈ ગઈ છે.


