ખટ્ટામીઠા અને કામસૂત્ર જેવી ફિલ્મોમાં અભિનય કરનારા રણજીત ચૌધરીનું 64 વયે નિધન
- તેણે લગભગ 40 ફિલ્મો અને સિરીયલોમાં કામ કર્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 16 એપ્રિલ 2020, ગુરુવાર
૬૪ વર્ષીય રણજીત ચોધરીએ ૧૫ એપ્રિલના રોજ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા.તેની અંતિમ ક્રિયા ૧૬ તારીખના કરવામાં આવી હતી તેમજ તેની પ્રાર્થનાસભા લોકડાઉન પૂરું થતાં ૫ મેના રાખવામાં આવી છે.
રણજીતના અવસાનના સમાચાર તેની બહેન રેલ પદ્મશ્રીએ ઇન્સ્ટાગ્રામની પોસ્ટથી આપી હતી. અભિનેતાએ તેની કારકિર્દીમાં ૪૦ ફિલ્મો ઉપરાંત ટચૂકડા પડદાની સિરીયલોમાં કામ કર્યું હતું. રણીતને લોકો મિસીસિપી મસાલા અને કામસૂત્રના પાત્ર માટે આજે પણ યાદ કરે છે.
રણજીત અમેરિકાના ન્યુયોર્કમાં રહેતો હતો તેના પરિવારમાં પત્ની અને ૧૬ વરસનો પુત્ર છે. તે મુંબઇદાંતની ટ્રીટમેન્ટ કરાવા માટે આવ્યો હતો. તે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાથી અહીં જ હતો અને અમેરિકા જવાની તેની ૮ એપ્રિલની ટિકિટ પણ હતી. પરંતુ લોકડાઉનના કારણે તે અહીં ફસાઇ ગયો હતો. તેને અલ્સરની તકલીફ હોવાથી તેને બ્રીચકેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેની સર્જરી પણ કરવામાં આવી હતી, પરંતુ ૧૫મીના સવારના ચાર વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
મશહૂર અભિનેત્રી પર્લ પદ્મશ્રીનો પુત્ર રણજીતનો જન્મ પર્લના પ્રથમ લગ્નથી થયો હતો. પર્લે પછીથી એલેક પદ્મશ્રી સાથે લગ્ન કર્યા હતા. રણજીતની બહેનનું નામ રોહિની ચૌધરી અને રેલ પદ્મશ્રી તેની સાવકી બહેન છે.
૧૯૭૮ની ફિલ્મ ખટ્ટા મીઠાથી રણજીતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે બાતો બાતો મેં, ખૂબસૂરત અને કાલિયા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.