ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમાં એન્ટ્રીની અટકળો
- આગામી જાન્યુઆરીથી શૂટિંગ શરૂ થવાનું છે
- કિયારા પણ કદાચ રિપ્લેસ નહિ થાય તેવી અટકળોઃ જોકે , ફરહાન દ્વારા સમર્થન નહિ
મુંબઈ : રણવીરની 'ડોન થ્રી' ફિલ્મ લાંબા સમય પહેલાં એનાઉન્સ થઈ ચૂકી છે પરંતુ તેનું શૂટિગં શરુ થવાના કોઈ આસાર વર્તાતા ન હતા. હવે ફાઈનલી એવી વાત બહાર આવી છે કે ફરહાન અખ્તર કદાચ આગામી જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. વાત એવી પણ છે કે કદાચ પ્રિયંકા ચોપરા આ ફિલ્મમાં કોઈ ભૂમિકામાં દેખા દઈ શકે છે.
અગાઉ શાહરુખ ખાનની 'ડોન વન' તથા 'ડોન ટૂ' બંનેમાં પ્રિયંકા ચોપરા તેની હિરોઈન હતી.
થોડા દિવસો પહેલાં પ્રિયંકા ચોપરાએ પોતે બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાના સંકેત આપ્યા હતા.
ફિલ્મી વર્તુળોમાં ચર્ચા અનુસાર આ સંકેત કદાચ 'ડોન થ્રી'ને અનુલક્ષીને હોઈ શકે છે.
એક અહેવાલ અનુસાર કદાચ ફિલ્મની મુખ્ય હિરોઈન તરીકે કિયારા અડવાણીને પણ નહિ બદલવામાં આવે. અગાઉ અહેવાલો હતા કે કિયારાએ પ્રેેગનન્સીને કારણે આ ફિલ્મ છોડી દીધી છે અને તેની જગ્યાએ ક્રિતી સેનન હિરોઈન હશે. પરંતુ, હવે નવા અહેવાલો અનુસાર કદાચ કિયારા પોતાની મેટરનિટી લિવ પરથી પરત ફરે ત્યાં સુધી તેના પાર્ટનું ફિલ્માંકન બાકી રખાશે.
જોકે, આ તમામ અટકળો અને અફવાઓ અંગે સર્જક ફરહાન અખ્તર તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.