રજનીકાંતની ફિલ્મના પ્રોડ્યુસરનું શંકાસ્પદ મોત: રૂમમાં લટકતો મૃતદેહ મળ્યો
K.P.Choudhary Passed Away : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર કે.પી. ચૌધરીનું આજે (3 ફેબ્રુઆરી) 44 વર્ષની વયે નિધન થયું છે. પોલીસના જણાવ્યાનુસાર, ફિલ્મ પ્રોડ્યુસર ગોવા પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન તેમનો મૃતદેહ ઉત્તર ગોવાના સિઓલિમ ગામમાં એક ભાડાના ઘરમાંથી ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસ મુજબ આ ઘટનાને આત્મહત્યા તરીકે જોવામાં આવી રહ્યું છે, જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ શરૂ કરી
એક પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, તેલુગુમાં રજનીકાંત ફેમ ફિલ્મ 'કબાલી' ના નિર્માણ માટે પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર કેપી ચૌધરીનો મૃતદેહ સિઓલિમ ગામમાં ભાડાના મકાનમાં મળી આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ થતા અમે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી મળતા અમે મીડિયા સમક્ષ માહિતી રજૂ કરીશું.'
ફિલ્મ પ્રોડ્યુસરનો ગુનાહિત ઇતિહાસ
નોંધનીય છે કે, કેપી ચૌધરી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. વર્ષ 2023માં સાઇબરાબાદ સ્પેશ્યલ ઓપરેશન ટીમે ડ્રગ્સ મામલે તેમની ધરપકડ કરી હતી. જે પછી કાર્યવાહીમાં ઘટસ્ફોટ થયો હતો કે, ફિલ્મ પ્રોડ્યુસર ટોલીવૂડ અને કોલીવૂડ બંને ઇન્ડસ્ટ્રીમાં ડ્રગનો ધંધો ચલાવી રહ્યા હતા અને તેમની પાસે ઘણાં સેલિબ્રિટી ગ્રાહકો હતા.
આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા કેપી ચૌધરી
પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે, કેપી ચૌધરી છેલ્લા ઘણાં સમયથી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા હતા અને તેમના પર દેવું ખૂબ જ વધી જતા લેણદારો દબાણ કરી રહ્યા હતા. ફિલ્મ ઉદ્યોગમાં સતત અસફળતાઓનો સામનો કર્યા બાદ તેઓ ડ્રગ્સનો વેપાર કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે ગોવામાં એક પબ પણ ખોલ્યો હતો, જ્યાં તેઓ સેલિબ્રિટીઝને ડ્રગ્સ વેચતા હતા.