સાઉથ ફિલ્મ જગતમાં શોકની લહેર! નિર્માતા પિતાનું અકસ્માતમાં મોત બાદ પુત્રનું કમળાથી નિધન, પાંચ દિવસમાં ત્રણ અભિનેતાના અવસાન
Santhosh Balaraj Dies : છેલ્લા પાંચ દિવસમાં સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં ત્રીજા જાણીતા અભિનેતાનું મોત થયું છે. પહેલી ઓગસ્ટે ભારતીય કોમેડિયન અભિનેતા કલાભવન નવાસનું નિધન થયું હતું. ત્યારબાદ ચોથી ઓગસ્ટે સુપરસ્ટાર પ્રેમ નજીરના પુત્ર અને અભિનેતા શાનવાસ દુનિયા છોડી ગયા હતા. હવે દક્ષિણ ભારતીય સિનેમામાં ખાસ કરીને કન્નડ ફિલ્મ ઉદ્યોગના જાણિતા અભિનેતા સંતોષ બલરાજનું આજે (5 ઓગસ્ટ) નિધન થયું છે. 34 વર્ષિય બલરાજ ગંભીર કમળાની બિમારીથી ઝઝૂમી રહ્યા હતા, જેના કારણે તેમનું હોસ્પિટલમાં જ નિધન થયું છે.
કમળાના કારણે સંતોષ બલરાજનું નિધન
મીડિયા રિપોર્ટ મુજબ કમળામાં સપડાયેલા સંતોષને થોડા દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની સતત તબીયત બગડતી ગઈ અને આજે તેઓ દુનિયા છોડીને જતા રહ્યા છે. તેમણે મોટાભાગે કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે વર્ષ 2009માં રિલિઝ થયેલી ફિલ્મ ‘કેમ્પા’થી અભિનય ક્ષેત્રની શરૂઆત કરી હતી. તેમણે પિતા અનેકલ બલરામની ‘સંતોષ એન્ટરપ્રાઈઝ’ની બેનર હેઠળ બનેલી ‘કરિયા-2’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ 2015માં આવેલી ‘ગણપા’ ફિલ્મ અને 2024ની ‘સત્યમ’ ફિલ્મ પણ હતા.
પિતાનું રોડ અકસ્માતમાં થયું હતું મોત
સંતોષ બલરાજના પિતાની વાત કરીએ તો ફિલ્મ નિર્માતા અનેકલ બલરાજનું 15 મે-2025ના રોજ મોત થયું છે. તેઓએ બેંગલુરુમાં એક કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તેઓ કરિયા-2 અને જેકપોટ જેવી ફિલ્મો માટે જાણીતા હતા. સંતોષ માતા સાથે રહેતા હતા અને હજુ સુધી તેમના લગ્ન થયા ન હતા.
થોડા દિવસ પહેલા કોમેડિયન અભિનેતાનું નિધન
સંતોષના નિધન પહેલા 51 વર્ષિય કોમેડિયન અભિનેતા કલાભવન નવાસ (Kalabhavan Navas)નું પહેલી ઓગસ્ટે નિધન થયું હતું. તેમનો મૃતદેહ ચોટ્ટાનિકારાની એક હોટલમાં મળી આવ્યો છે. તેમને હાર્ટએટેક આવ્યો હોવાની સંભાવના છે. તેમની પત્નીનું નામ રેહાના અને ત્રણ બાળકોના નામ નાહરિન, રિહાન અને રિદવાન છે. તેમની પત્ની ફિલ્મ અને ટેલિવિઝનના અભિનંત્રી છે.
ચોથી ઓગસ્ટે મલયાલમ અભિનેતાનું નિધન થયું હતું
સદાબહાર સુપરસ્ટાર પ્રેમ નઝીરના પુત્ર, લોકપ્રિય મલયાલમ અભિનેતા શાનવાસ (Shanavas)નું સોમવારે (4 ઓગસ્ટ) 70 વર્ષની વયે અવસાન થયું હતું. શાનવાસ છેલ્લા ચાર વર્ષથી કિડની અને હૃદય સંબંધિત બીમારીઓની સારવાર લઈ રહ્યા હતા. સોમવારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેમને તિરુવનંતપુરમની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. શાનવાસે 1981માં બાલાચંદ્ર મેનન દ્વારા દિગ્દર્શિત પ્રેમગીતંગલ સાથે અભિનયની શરૂઆત કરી હતી. તેમણે મઝાનીલાવુ, એયુગમ, મણિયારા, નીલાગિરી, ગર્ભશ્રીમાન અને ઝાચરિયાયુડે ગરભિનિકલ સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમણે મલયાલમ અને તમિલ બંને ભાષામાં 50થી વધુ ફિલ્મોમાં ભૂમિકા નિભાવી હતી.