સોનમ કપૂર અને આનંદ આહુજાને ત્યાં પુત્ર જન્મ થયો
- નીતુ કપૂર અને ફરાહખાને સોનમ-આનંદ અને અનિલ-સુનિતાને વધામણી આપતો સંદેશો શેર કર્યો
મુંબઇ : અભિનેત્રી સોનમ કપૂર અને બિઝનેસમેન આનંદ આહુજાને ત્યાં પુત્ર જન્મ થયો છે. શનિવારે, ૨૦ ઓગસ્ટના દિવસે તેમને ત્યાં દીકરો અવતર્યો છે. જેની જાણકારી તેમણે તેમના ખાસ મિત્રોને એક સંદેશા દ્વારા આપી છે.
નીતુ કપૂરે સોનમના માતા-પિતા અનિલ અને સુનિતા કપૂરને વધામણી આપી હતી. તેણે સોનમ અને આનંદ આહુજાએ લખેલ સંદેશાનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. જેમાં લખ્યું છે કે, ૨૦-૫-૨૦૨૨ના દિવસે અમારે ત્યાં સુદર પુત્રનો જન્મ થયો છે. અમારા આ દિવસ માટે અમારા સહાયક તમામ ડોકટર, નર્સ, મિત્ર અને પરિવારના સભ્યોનો આભાર માનીએ છીએ. આ અમારા માટે એક સારી શરૂઆત છે, અને અમે જાણીએ છીએ કે, પુત્રના જન્મ પછી અમારી અંગત લાઇફમાં ઘણા ફેરફાર થવાના છે. સોનમ અને આનંદ.
ફિલ્મસર્જક ફરાહ ખાને પણ આ જ સંદેશો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે.તેમજ સાથેસાથે ન્યુ પેરન્ટસ અને નાના-નાની અનિલ અને સુનિતા કપૂરને વધામણી આપી છે. ફરાહે લખ્યું છે કે, પુત્ર જન્મ માટે વધામણી અને તેણે સોનમ અને આનંદને ટેગ કર્યા છે. સાથે સાથે તેણે અનિલ કપૂર અને સુનિતાને પણ ટેગ કર્યું છે કે, નાના-નાનીને પણ અભિનંદન.
માર્ચ મહિનામાં સોનમ અને આનંદે સોનમની ગર્ભાવસ્થાની તસવીરો શેર કરીને તેમના ઘરે પારણું બંધાવાનું છે તેની ઘોષણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અનિલ કપૂર અને નીતુ કપૂર થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ જુગજુગ જિયોમાં સાથે જોવા મળ્યા હતા.