VIDEO: સિંગર ઝુબિન ગર્ગના અંતિમ દર્શન માટે ઉમટી હજારોની ભીડ, પત્નીનું હૈયાફાટ રુદન
Singer Zubeen Garg Death: બોલિવૂડના લોકપ્રિય ગાયક દિવંગત ઝુબીન ગર્ગનો પાર્થિવ દેહ આજે સવારે સિંગાપોરથી ગુવાહાટી પહોંચ્યો છે. એરપોર્ટની બહાર ઝુબીનના ચાહકો મોટાપાયે ઉમટી પડ્યા હતાં. તેઓએ 'જય ઝુબીન દા' ની નારેબાજી કરી હતી. ઝુબીનની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ પણ ગોપીનાથ બોરદોલાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. આજે સાંજે 21 સપ્ટેમ્બરના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઝુબીનને જોઈ પત્ની પડી ભાંગી
ઝુબીન ગર્ગની પત્ની ગરિમા સૈકિયા પતિના પાર્થિવ દેહને જોતાં જ પડી ભાંગી હતી. તેનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ગરિમા ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. તે પોતાની જાતને સંભાળી શકી ન હતી. આસામ રાજ્ય સરકારે ઝુબીન ગર્ગના નિધન બદલ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો. 20થી 22 સપ્ટેમ્બર સુધી શોક જાહેર કરાયો હતો. સિંગાપોરમાં સ્કુબા ડાઈવિંગ સમયે ઝુબીન ગર્ગનું નિધન થયુ હતું. 52 વર્ષીય ઝુબીન યા અલી સહિત અનેક લોકપ્રિય ગીતોથી પ્રચલિત બન્યો હતો.
બોલિવૂડે આપી શ્રદ્ધાંજલિ
કંગના રણૌત અને શાઈની આહુજાની હિટ ફિલ્મ 'ગેંગસ્ટર'માં 'યા અલી' સોંગથી લાઈમલાઈટમાં આવેલા મૂળ આસામના સિંગર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં સ્કુબા ડાઈવિંગ વખતે અચાનક નિધન થઈ જતાં તેના ચાહકોમાં ભારે શોક ફેલાયો છે. અનેક બોલીવૂડ મ્યુઝિક સેલિબ્રિટીઓએ ઝુબીનનાં આકસ્મિક નિધન માટે શોકની લાગણી વ્યક્ત કરી હતી. પ્રિતમ, વિશાલ મિશ્રા, પેપોન , આદિલ હુસૈન સહિતના ગાયકો તથા સંગીતકારોએ ઝુબીનનાં અવસાનથી ભારે આઘાત લાગ્યો હોવાનું જણાવી અંજલિ અર્પણ કરી હતી. ઝુબીન નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ માટે સિંગોપાર ગયો હતો. ત્યાં સ્કુબા ડાઇવિંગ વખતે અચાનક જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. તેની સાથેના લોકોએ તેને સીપીઆર આપી બચાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ તે તબીબોએ તે મૃત્યુ પામ્યો હોવાનું જાહેર કર્યું હતું.
લાખો ચાહકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
ગુવાહાટીમાં આજે ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાખો લોકો ઉમટી પડ્યા છે. ગાયકના નિધનથી ગુવાહાટી ગમગીન બન્યું છે. ઝુબીનના અંતિમ દર્શન માટે પાર્થિવ શરીરને સરુસજાઈ સ્થિત અર્જુન ભોગેશ્વર બરૂઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાખવામાં આવ્યો છે.