- દસમી ઓક્ટોબરે લાઇવ સંગીત સાથે દર્શાવાશે
- રિસ્ટોર્ડ શોલેને ઇંગ્લીશ સબટાઇટલ્સ સાથે સેન્સરે કાપી નાંખેલા એન્ડ સાથે દર્શાવાશે
મુંબઈ : રમેશ સિપ્પીની ક્લાસિક ફિલ્મ શોલેના રિસ્ટોર્ડ વર્ઝનનું ફિલ્મ્સ ઇન કોન્સર્ટ તરીકે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં વર્લ્ડ પ્રિમિયર યોજાશે. દસમી ઓક્ટોબરે યોજાનારા આ ફિલ્મ પ્રદર્શનમાં રોયલ ફિલહાર્મોનિક કોન્સર્ટ ઓર્કેસ્ટ્રા આરડી બર્મનની ધૂનોને લાઇવ વગાડશે. આ કોન્સર્ટમાં ઓરકેસ્ટ્રાને મેલ્વિન ટે કંડકટ કરશે.
શોલે: ધ ફાઇનલ કટ આવૃત્તિને દર્શાવવામાં આવશે. આ આવૃત્તિને તાજેતરમાં ફોર કે વર્ઝનમાં રિસ્ટોર્ડ કરવામાં આવી છે.
૧૯૭૫માં સેન્સર બોર્ડ દ્વારા ફૂટેજને કાપી નાંખવામાં આવ્યું હતું તેને ઉમેરીને તેનો અસલ અંત આ આવૃત્તિમાં ઉમેરવામાં આવ્યો છે. સેન્સર કરવામાં આવેલી ફિલ્મમાં ગબ્બરને પોલીસને પકડીને લઇ જાય છે. જ્યારે મૂળ અંતમાં ઠાકુર ગબ્બરને મારી નાંખી વેરની વસૂલાત કરતો બતાવવામાં આવ્યો છે.
આ ફિલ્મ પ્રદર્શનમાં પ્રિન્ટનું હિન્દીમાં પ્રોજેકશન થશે અને હોલના ઓડિટોરિયમમાં વિરાટ એચડી સ્ક્રિન પર ઇંગ્લીશ સબટાઇટલ્સ સાથે તેને બતાવવામાં આવશે. સિપ્પી ફિલ્મ્સ દ્વારા આ શોનું નિર્માણ ઇએસકે સાથે મળીને કરવામાં આવી રહ્યું છે.


