હત્યા કેસના આરોપી ફિલ્મ અભિનેતાએ જજની સામે આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું- 'મને ઝેર આપી દો'
Renukaswamy Death Case: કર્ણાટકનો ખૂબ ચર્ચિત રેણુકાસ્વામી હત્યા કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ કેસમાં આરોપી નંબર 1 કન્નડ અભિનેતા દર્શને કોર્ટમાં જજ સમક્ષ એવું નિવેદન આપ્યું કે બધાને ચોંકાવી દીધી હતી. તેણે કોર્ટમાં કહ્યું કે, 'હું કોઈપણ સંજોગોમાં જેલમાં રહેવા માંગતો નથી. જેલમાં મારી હાલત ખૂબ જ ખરાબ છે. આવી જિંદગી જીવવા કરતાં મને ઝેર આપી દો, હું હવે આવી રીતે જીવી શકતો નથી.'
જેલમાં બંધ દર્શને પોતાની સ્થિતિ વર્ણવી
અહેવાલો અનુસાર, મંગળવારે (નવમી સપ્ટેમ્બર) મહિનાની સુનાવણી દરમિયાન અભિનેતા દર્શન 64મી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ (CCH)માં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયો હતો. જેલમાં બંધ દર્શને પોતાની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, 'મારા હાથમાં ફૂગ છે. મારા કપડાંમાંથી દુર્ગંધ આવી રહી છે. જેલની સ્થિતિ એવી છે કે અહીં સૂર્યપ્રકાશ આવતો નથી. ચારે બાજુ ફક્ત અંધકાર છે.' કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ તેમની વાત સાંભળીને ચોંકી ગયા.
સુનાવણીમાં જજે તરત જ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'આ શક્ય નથી અને કોર્ટ કોઈપણ સંજોગોમાં આવી માંગણી સ્વીકારી શકે નહીં.' આ દરમિયાન જજે અન્ય આરોપી નંબર 13 અને 14ની ડિસ્ચાર્જ અરજીઓ પર વિચાર કરવામાં આવ્યો અને કેસમાં આરોપો ઘડવાની તારીખ 19મી સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી. આ ઉપરાંત દર્શનની અરજી પરની સુનાવણી મુલતવી રાખવામાં આવી.
દર્શને જેલમાં પલંગ અને ગાદલાની માંગણી કરી હતી
અરજીમાં અભિનેતા દર્શને બલ્લારી જેલમાં ટ્રાન્સફર ટાળવા અને પલંગ અને ગાદલા જેવી સારી સુવિધાઓની માંગ કરી હતી. અગાઉ ડિસેમ્બર 2024માં કર્ણાટક હાઈકોર્ટે અભિનેતાને જામીન આપ્યા હતા, પરંતુ સાક્ષીઓ સાથે છેડછાડ કરવાની આશંકાને કારણે સુપ્રીમ કોર્ટે 14મી ઓગસ્ટ 2025ના રોજ તેમના જામીન રદ કર્યા હતા. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તેને જેલમાં ખાસ સુવિધાઓ ન મળવી જોઈએ.
રેણુકાસ્વામીના અપહરણ અને હત્યાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, જૂન 2024માં ચિત્રદુર્ગના રહેવાસી 33 વર્ષીય રેણુકાસ્વામીના અપહરણ અને હત્યાના આરોપમાં કન્નડ અભિનેતા દર્શનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર, રેણુકાસ્વામીએ દર્શનની નજીકની સહયોગી પવિત્રા ગૌડાને અશ્લીલ સંદેશા મોકલ્યા હતા. આ કારણોસર દર્શનના કહેવાથી તેનું અપહરણ કરીને ઢોરમાર માર્યો હતો. જેમાં રેણુકાસ્વામી મૃત્યુ નિપજતા તેના મૃતદેહને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો. જ્યારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી ત્યારે ભાડે રાખેલા હત્યારાઓએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું અને ગુનો કબૂલ કર્યો, જેથી દર્શન અને તેની પ્રેમિકા પવિત્રા ગૌડાના નામ તેમાં ફસાઈ ન જાય, પરંતુ પોલીસે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.