શેફાલી જરીવાલાની અંતિમ ઈચ્છા પૂરી થઈ, મ્યુઝિક ડાયરેક્ટરની જાહેરાત બાદ ચાહકો થયા ભાવુક
Shefali Jariwala: શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું અને તેમના નિધનથી માત્ર તેમના ચાહકો અને પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. શેફાલી 'કાંટા લગા' ગીતથી જાણીતી થઈ હતી. 27 જૂનના રોજ અચાનક કાર્ડિયાક અરેસ્ટને કારણે અભિનેત્રીએ આ દુનિયાને અલવિદા કહ્યું. અભિનેત્રીના નિધન પછી, રાધિકા રાવ અને 'કાંટા લગા' ગીતના મ્યુઝિક ડાયરેક્ટર વિનય સપ્રુએ સોશિયલ મીડિયા પર શેફાલી જરીવાલાને શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે કાંટા લગા ગીતની સિક્વલ કે રિમેક ક્યારેય નહીં બને.
'કાંટા લગા'ની સિક્વલ ક્યારેય નહીં બને
ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટમાં રાધિકા અને વિનયે લખ્યું, 'ગઈકાલે પ્રાર્થના સભા હતી. અમારી અંતિમ વિદાય... આપણું કાંટા લગા - સીડી ઇનલે કાર્ડ માટે પહેલુ ફોટો સેશન... હવે બીજી કોઈ 'કાંટા લગા' ગર્લ નહીં બને અને શેફાલી હંમેશા 'એકમાત્ર કાંટા લગા ગર્લ' રહેશે.'
આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, 'તમે હંમેશા કહ્યું હતું કે હું એકમાત્ર 'કાંટા લગા ગર્લ' બનવા માંગુ છું. તેથી અમે ક્યારેય સિક્વલ બનાવી નથી અને હવે ક્યારેય બનાવીશું પણ નહીં. અમે 'કાંટા લગા'ને હંમેશા માટે રીટાયર્ડ કરી રહ્યા છીએ. તે હંમેશા તમારું હતું અને તમારું રહેશે... શેફાલી... RIP.'
મજાક મસ્તીમાં બદલાઈ જીંદગી
શેફાલી 2000ના દાયકાની શરૂઆતમાં 'કાંટા લગા'ના રિમિક્સથી પ્રખ્યાત થઈ હતી જે દેશભરમાં રાતોરાત ફેમસ બની ગયું અને પોપ કલ્ચરના ઇતિહાસમાં તેનું નામ અંકિત કરી દીધું. વર્ષો પછી, 2020માં એક ઇન્ટરવ્યૂમાં, શેફાલીએ ખુલાસો કર્યો હતો કે કેવી રીતે આ ગીતે તેનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું.
શેફાલીએ આ ગીત વિષે વાર કરતા કહ્યું હતું કે, 'કાંટા લગા' ને 17 વર્ષ થઈ ગયા છે અને હું આ વાત પર વિશ્વાસ કરી શકતી નથી. એવું લાગે છે કે તે ગઈકાલની જ વાત છે. સારું, 'કાંટા લગા' મારી સાથે બિલકુલ આકસ્મિક રીતે બન્યું. હું મારી કોલેજની બહાર આરામ કરી રહી હતી અને મ્યુઝિક ડાયરેક્ટર, રાધિકા રાવ અને વિનય સપ્રુએ મને ત્યાં જોઈ અને તેઓએ મને ગીત ઓફર કર્યું. મેં ફક્ત મજા અને થોડી પોકેટમની માટે હા પાડી દીધી. આ ગીતે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. તેઓ ગોડમધર જેવા હતા. તેઓ આવ્યા અને તેમની જાદુઈ લાકડી ફેરવી. આ કદરૂપી બતકને એક સુંદર હંસમાં ફેરવી દીધી. તેમણે મારું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું અને લોકોને હું હંમેશા 'કાંટા લગા ગર્લ' તરીકે યાદ રહું એવી મારી ઈચ્છા છે.'