શક્તિ શાલિની મુલતવી : હોરર કોમેડી યુનિવર્સમાં ઉથલપાથલ
- પ્રેગનન્ટ કિઆરા આવતાં વર્ષે કામ પર પાછી ફરશે
- કોમેડી યુનિવર્સની આઠ ફિલ્મો હવે લંબાઇને 2030 સુધીમાં રજૂ કરાય તેવી અટકળો
મુંબઇ : ફિલ્મ ઉદ્યોગમાં જે ઘણાં પરિવર્તનો થઇ રહ્યા છે તેમાં એક યુનિવર્સ બનાવવાનો આઇડિયા પણ છે. સ્ત્રી ફિલ્મની હોરર કોમેડી ફિલ્મની સફળતાને પગલે હોલિવૂડની નકલરૂપ આ આઇડિયાનો અમલ કરી મેડોક ફિલ્મ્સે મહત્વાકાંક્ષી મેડોર હોરર કોમેડી યુનિવર્સની જાહેરાત કરી આગામી ચાર વર્ષમાં આઠ એકમેક સાથે સંકળાયેલી ફિલ્મો બનાવવાની જાહેરાત કરી હતી.
કિઆરા અડવાણીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ શક્તિ શાલિની એક વર્ષ માટે મુલતવી રહેતાં મેડોકના કોમેડી હોરર યુનિવર્સમાં મોટી ઉથલપાથલ થઇ ગઇ છે. સપ્ટેમ્બરમાં કિઆરા તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રાના સંતાનની માતા બનવાની સંભાવનાઓ છે. હવે જો કિઆરા સપ્ટેમ્બરમાં માતા બને તો તે આવતાં વર્ષની મધ્યમાં જ ફિલ્મમાં કામ કરવા પાછી ફરી શકે તેમ છે. એવી પણ અટકળો થઇ હતી કે કિઆરાને બદલે અન્ય કોઇ હિરોઇનને લઇને કામ આગળ ચલાવવામાં આવશે. પણ સૂત્રોના જણાવ્યા અનુસાર અજિતપાલ સિંહ નિર્દેશિત આ ફિલ્મ કિઆરા મુખ્ય ભૂમિકામાં હશે તો જ બનાવવામાં આવશે.
મૂળમાં તો શક્તિ શાલિની ફિલ્મને ૩૧ ડિસેમ્બરે રિલિઝ કરવાનું આયોજન હતું પણ હવે આ વર્ષે તેને રજૂ કરી શકાશે નહીં. જો કે, આયુષમાન ખુરાના, રશ્મિકા મંદાના અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનિત થમા ફિલ્મ તો આ વર્ષે જ રજૂ કરાશે.
જો કે મેડોક હોરર કોમેડી યુનિવર્સની આઠ ફિલ્મો હવે લંબાઇને ૨૦૩૦ સુધી રજૂ કરવામાં આવે તેવી અટકળો થઇ રહી છે.