'The Ba**ds Of Bollywood' કેસમાં શાહરૂખ-ગૌરીને સમન્સ, સમીર વાનખેડેએ માંગ્યું ₹2 કરોડ વળતર
Delhi High Court Summon to Red Chilles Entertainment: આર્યન ખાનની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ વેબ સીરિઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'માં શાહરૂખ ખાનની મુશ્કેલીઓ વધી છે. પૂર્વ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અધિકારી સમીર વાનખેડેએ શાહરૂખ ખાન-ગૌરી ખાનના પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલીઝ' અને નેટફ્લિક્સ સામે માનહાનિનો દાવો કર્યો છે. તેમનો આરોપ છે કે, 'આ સીરિઝમાં એક પાત્રનો ચહેરો બિલકુલ મારા જેવો છે, જેના કારણે મારી ઈમેજને નુકસાન પહોંચ્યું છે. આ માટે હું રૂ. 2 કરોડના વળતરની માંગ કરું છું. આ કારણસર સોશિયલ મીડિયામાં પણ મારા અને મારી પત્ની વિરુદ્ધ ટ્રોલિંગ કરાઈ રહ્યું છે.
દિલ્હી હાઈકોર્ટે કંપનીને સમન્સ મોકલ્યું
સમીર વાનખેડેની ફરિયાદ બાદ દિલ્હી હાઈકોર્ટે 'રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ'ને સમન્સ મોકલ્યું છે અને કંપનીના સભ્યોને 7 દિવસની અંદર હાજર થવા જણાવ્યું છે. હવે આ મામલે 30 ઓક્ટોબરે સુનાવણી થશે. આ મામલે હજુ સુધી શાહરૂખ ખાનની કંપની તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
જણાવી દઈએ કે સમીર વાનખેડેએ દાવો કર્યો હતો કે, '18 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ સિરીઝમાં, મારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિરીઝમાં કેટલાક એવા સીન્સ છે જેમાં મારો સંદર્ભ મળે છે.'
ફિલ્મી કલ્પનાની આડમાં ઈમેજ ન બગાડી શકાય: વાનખેડેની દલીલ
માનહાનિની અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિની ઈમેજને કોઈ પણ ક્રિએટિવ અથવા ફિલ્મી કલ્પનાનું નામ આપીને બગાડી શકાય નહીં. વાનખેડેએ કોર્ટને એમ પણ જણાવ્યું કે, 'ભલે શૉમાં મારું નામ કે ઓળખનો સીધો ઉપયોગ ન કરાયો હોય, પરંતુ દર્શકો માટે એ સ્પષ્ટ છે કે આ પાત્ર મારાથી પ્રેરિત છે.' દિલ્હી હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન તમામ પક્ષકારોને નોટિસ ફટકારીને સાત દિવસમાં જવાબ આપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે 30 ઓક્ટોબરે કોર્ટમાં તમામ પક્ષોની દલીલો સાંભળવામાં આવશે.
આ પણ વાંચો: ફેમસ પંજાબી સિંગર રાજવીરનું નિધન, ગંભીર અકસ્માત બાદ 11 દિવસથી વેન્ટીલેટર પર હતો
સમીર વાનખેડેએ ₹2 કરોડનું વળતર માંગ્યું
પૂર્વ NCB અધિકારીએ કોર્ટને વિનંતી કરી છે કે શૉના કન્ટેન્ટને માનહાનિકારક જાહેર કરવામાં આવે અને તેના માટે તેમણે ₹2 કરોડનું વળતર માંગ્યું છે. વાનખેડેએ દાવો કર્યો છે કે, 'શૉ પ્રસારિત થયા બાદ મારે સોશિયલ મીડિયા પર અનેક અપમાનજનક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે અને મારી ઈમેજને ગંભીર નુકસાન થયું છે. આ શૉ માત્ર ખોટો જ નથી, પરંતુ મારી વ્યવસાયિક ઈમાનદારી પર પણ સવાલ ઊભો કરે છે'