શાહરુખ ખાને બંગલાને પ્લાસ્ટિકથી કવર કર્યો
-ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો
-એ બંગલામાં પત્ની, ત્રણ બાળકો અને નોકરો છે
મુંબઇ તા.21 જુલાઇ 2020, મંગળવાર
બોલિવૂડમાં કિંગ તરીકે ઓળખાતા ટોચના અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કોરોનાકાંડમાં પોતાના પરિવારના રક્ષણ માટે લીધેલું એક પગલું સોશ્યલ મિડિયામાં ચર્ચાતું થયું હતું.
એણે પોતાના વાંદરા બેન્ડ સ્ટેન્ડ પરના બંગલા મન્નતને પ્લાસ્ટિકના કવરથી આવરી લીધો હતો. શાહરુખના આ બંગલામાં એેની ઇન્ટિરિયર ડિઝાઇનર પત્ની ગૌરી, ત્રણ બાળકો અને પરિવારના નોકરો રહે છે.
જો કે શાહરુખની નિકટના લોકોએ કહ્યું હતું કે દર વરસે ચોમાસામાં શાહરુખ બંગલાને આ રીતે પ્લાસ્ટિકથી કવર કરાવે છે. આ બંગલો દરિયાની બરાબર સામે હોવાથી ધોધમાર વરસાદ પડે ત્યારે વાછંટના કારણે બંગલામાં પાણી ધસી આવે છે.
અત્યાર અગાઉ શાહરુખે પોતાની ઑફિસનું મકાન મુંબઇ મ્યુનિસિપાલિટીને કોરોનાના દર્દીઓની સારવાર માટે આપી દીધું હતું.
શાહરુખની ચિંતા સમજી શકાય એવી છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને એમના સંતાનોને કોરોના થઇ ચૂક્યો છે અને એ બધા વિલેપારલેની નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતાં. એ જ રીતે ટોચની અભિનેત્રી રેખાના સિક્યોરિટીને પણ કોરોના થઇ ચૂક્યો છે અને રેખા પોતે બંગલામાં ક્વોરન્ટાઇન્ડ થઇ છે.
આ ઉપરાંત બોલિવૂડના બીજા કેટલાક કલાકારો પણ કોરોનાનો ટેસ્ટ કરાવી ચૂક્યા છે અને કેટલાક કલાકારોએ ચૂપચાપ સારવાર પણ કરાવી લીધી છે. આવા સંજોગોમાં શાહરુખ ખાને પોતાના પરિવાર માટે લીધેલું અગમચેતીનું પગલું સમજી શકાય એવું છે.