શાહરૂખ ખાન આર.માધવનની ફિલ્મમાં પત્રકારના રોલમાં જોવા મળશે
- જોકે આ એક નાનકડી ભૂમિકા હોવાની વાત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2020, શનિવાર
શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મમાં જોવા મળ્યો નથી. છેલ્લે તે ૨૦૧૮ની ઝીરો ફિલ્મમાં દેખાયો હતો, જે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. ત્યાર પછી તેણે ન તો કોઇ ફિલ્મ સાઇન કરી છે, કે સાઇન કર્યાની ઘોષણા કરી છે. પરંતુ હવે એવી ચર્ચા છે કે અભિનેતા આવતા વરસે રીલિઝ થનારી બે ફિલ્મોમાં કેમિયો કરતો જોવા મળશે.
મળેલી જાણકારીના અનુસાર, શાહરૂખ ખાન અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માશ્ત્રમાં એક નાનકડા પાત્રમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તે એક વૈજ્ઞાાનિકના રોલમાં જોવા મળશે. જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
તેમજ કિંગ ખાન આર. માધવનની રોકેટરી ફિલ્મમાં પણ એક કેમિયો કરતો જોવા મળશે. આ ફિલ્મ ઇસરોના જાણીતા રોકેટ સાયન્ટિસ્ટ નામ્બી નારાયણનની બાયોપિક છે. આ ફિલ્મમાં શાહરૂખ એક જર્નાલિસ્ટની ભૂમિકા કરી રહ્યો છે. જે નામ્બી નારાયણનો ઇન્ટરવ્યુ કરે છે અને વાર્તા ફ્લેશબેકમાં જાય છે. ફિલ્મમાં માધવન પણ નાસાના એક વૈજ્ઞાાનિકના પાત્રમાં જોવા મળશે.
શાહરૂખે આ બન્ને ફિલ્મોના શૂટિંગ ગયા વરસે જ કર્યા છે.
કહેવાય છે કે, શાહરૂખે છેલ્લા બે વરસમાં લગભગ ૨૦ થી પણ વધુ સ્ક્રિપ્ટ વાંચી છે પરંતુ દરેકને રિજેક્ટ કરી છે. જોકે હવે ચર્ચા છે કે શાહરૂખ રાજુ હિરાણી સાથે ફિલ્મ કરવાનું વિચારી રહ્યો છે. જે એક સોશિયલ ડ્રામા પર હશે અને પંજાબથી કેનેડા જનારા પ્રવાસીઓ પર આધારિત હશે. હાલ આ ફિલ્મની વાર્તા પર કામ ચાલી રહ્યું છે. જોકે કિંગ ખાને આ ફિલ્મ બાબત કોઇ સ્પષ્ટતા કરી નથી.