ફિલ્મ 'પઠાન' ની રિલીઝ પહેલા શાહરુખ ખાને માતા વૈષ્ણો દેવીના ચરણોમાં શીશ ઝૂકાવ્યુ
Updated: Dec 12th, 2022
મુંબઈ, તા. 12 ડિસેમ્બર 2022 સોમવાર
બોલીવુડના કિંગ શાહરુખ ખાન કામની સાથે ભગવાનને યાદ કરવાનું ક્યારેય ભૂલતા નથી. મક્કામાં ઉમરાહ કર્યા બાદ શાહરુખે હવે માતા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કર્યા. શાહરુખના આ અંદાજે તેમના ચાહકોના દિલ જીતી લીધા છે.
બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનની ફિલ્મ પઠાન આગામી મહિને જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. દરમિયાન તેઓ પોતાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કિંગ ખાન કાલે મોડી રાતે કટરામાં માતા વૈષ્ણો દેવીના મંદિર પહોંચ્યા. તેમણે માતા વૈષ્ણો દેવીના દરબારમાં શીશ ઝૂકાવીને પ્રાર્થના કરી. શાહરુખ ખાને પોતાના અન્ય સાથીઓની સાથે માતા વૈષ્ણો દેવીના દરબારમાં પૂજા અર્ચના કરી. શાહરૂખે ચહેરા પર માસ્ક લગાવેલો હતો જેથી લોકો ઓળખી ના શકે.
પઠાન ફિલ્મ દ્વારા શાહરુખ ખાન લાંબા સમય બાદ પડદા પર વાપસી કરી રહ્યા છે. પઠાનને લઈને શાહરુખના ચાહકોમાં જોરદાર બઝ છે. ફિલ્મમાં કિંગ ખાનની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે.
શાહરુખ ખાનની ફિલ્મ પઠાન 25 જાન્યુઆરી 2023એ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. ફિલ્મના અત્યાર સુધીના શાહરુખના કેટલાય પોસ્ટર સામે આવી ચૂક્યા છે. શાહરુખના લાંબા-ઘેરા વાળ અને જોરદાર ફિટનેસ જોઈ ચાહકો તેમના દિવાના થઈ ચૂક્યા છે. ચાહકોને હવે માત્ર તે દિવસની આતુરતા છે જ્યારે કિંગ ખાનની મચ અવેટેડ ફિલ્મ પઠાન થિયેટરમાં રિલીઝ થશે.