શાહરૂખની કિંગનું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયમાં શરૂ
- આગામી વર્ષની બીજી ઓક્ટો.એ રીલિઝનું પ્લાનિંગ
- મલ્ટીસ્ટારર ફિલ્મ કિંગનાં અનેક દ્રશ્યોનું શૂટિંગ યુરોપમાં કરાશે
મુંબઈ : બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ'નું શૂટિંગ મુંબઇમાં આવેલા મહેબૂબ સ્ટુડિયોમાં બુધવારથી શરૂ થઇ ગયું છે. એક વર્ષ સુધી તૈયારીઓ કર્યા બાદ અને અનેકવાર પટકથામાં સુધારા વધારા કર્યા બાદ આખરે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મને ૨૦૨૬ના ગાંધી જયંતિના દિવસે રજૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં જાતજાતના ફેરફાર થયા છે, મૂળ ફિલ્મને સુજોય ઘોષ નિર્દેશિત કરવાના હતા અને શાહરૂખ ખાન તેમાં મહેમાન ભૂમિકા ભજવવાનો હતો. જ્યારે સુહાના ખાન હિરોઇન હતી. પણ પછી આ ફિલ્મને શાહરૂખ ખાનની ફિલ્મ બનાવી દેવામાં આવી. જેના પગલે સુજોય ઘોષનું સ્થાન પણ સિદ્ધાંત આનંદે લીધું. સિદ્ધાર્થ આનંદના આગમન સાથે ફિલ્મની પટકથામાં પણ મોટાં ફરફાર કરવામાં આવ્યા છે.
હવે આ ફિલ્મનું શૂટિંગ ભારત ઉપરાંત યુરોપમાં પણ વિવિધ સ્થળે કરવામાં આવશે. ફિલ્મમાં દીપિકા પદુકોણ, અભિષેક બચ્ચન. અર્શદ વારસી, જેકી શ્રોફ, અનિલ કપૂર, રાણી મુખર્જી એમ કલાકારોનો મોટો કાફલો છે.