જાવેદ અખ્તર સાથે આ રીતે થયો શબાના આઝમીને પ્રેમ, પરીવારએ કર્યો હતો ભરપૂર વિરોધ
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2019, બુધવાર
18 સપ્ટેમ્બર એટલે બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી શબાના આઝમીનો જન્મદિવસ. 18 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલી શબાનાએ પોતાના ફિલ્મી સફરની શરૂઆત ગુરુદત્તની ડોક્યૂમેંટ્રી ફિલ્મ અંકુરથી કરી હતી. તેની પહેલી ફીચર ફિલ્મ 1982માં આવી હતી જે માસૂમ હતી. આ ફિલ્મથી મળેલી સફળતા બાદ શબાનાએ પાછળ ફરી જોયું નથી. તેઓ ફિલ્મોની સાથે પોતાના લગ્નજીવન માટે સૌથી વધારે ચર્ચામાં રહી હતી. તેમણે ગીતકાર જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા છે.
જાવેદ અખ્તર પરણિત હતા અને તેમને બે સંતાન પણ હતા. તેમની પહેલી પત્ની હની ઈરાની હતી. તેઓ સીતા ઓર ગીતા ફિલ્મના સેટ પર મળ્યા હતા. તે દિવસો જાવેદ અખ્તર માટે સંઘર્ષના દિવસો હતા. 17 વર્ષની હની તેનાથી 10 વર્ષ મોટા જાવેદના પ્રેમમાં પડી. એક દિવસ પત્તાની રમત રમતી વખતે જાવેદ વારંવાર હારી રહ્યા હતા તે સમયે હનીએ તેને એક કાર્ડ કાઢી આપવાની વાત કરી. આ વાતના જવાબમાં જાવેદએ જણાવ્યું કે જો આ કાર્ડથી તે જીતી જશે તો તે હની સાથે લગ્ન કરી લેશે. બન્યું પણ એવું કે કાર્ડ બરાબર નીકળ્યું અને બંનેએ લગ્ન કર્યા.
હનીની માતાને આ નિર્ણય પસંદ ન હતો. તેને લાગ્યું કે તેની દીકરી આ નિર્ણય કરી પસ્તાસે અને ઘરે પરત ફરશે. કારણ કે તે સમયે જાવેદ અખ્તર પાસે પૈસા ન હતા તેથી તે પત્તા રમતા અને દારુ પણ પીતા. લગ્ન કર્યા બાદ થોડા જ સમયમાં તે બે બાળકોના પિતા પણ બની ગયા જેમાં તેમની દીકરી ઝોયા અને દીકરો ફરહાન તેમના જીવનમાં આવ્યા. પરંતુ હની ઈરાની સાથે તેના વારંવાર ઝઘડા શરૂ થયા.
આ દરમિયાન જાવેદ અખ્યતની મુલાકાત શબાના આઝમી સાથે તેના પિતાના ઘરે થઈ. જાવેદ ત્યાં કૈફી આઝમી પાસેથી કવિતાઓનું શિક્ષણ મેળવવા જતા હતા. આ રીતે બંને વચ્ચે મુલાકાતો અને વાતો શરૂ થઈ. પરંતુ જાવેદના લગ્ન થઈ ચુક્યા હોવાથી શબાના તેનાથી દૂર રહેતી હતી. કારણ કે શબાનાની માતા પણ તેમના સંબંધના વિરોધી હતા. પરંતુ 1978માં જાવેદએ તેની પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા ત્યારબાદ કૈફી આઝમી શબાના સાથે તેના લગ્ન કરવા તૈયાર થયા. આ રીતે 6 વર્ષ સુધી સંબંધ રહ્યા બાદ બંનેએ 1984માં નિકાહ પઢ્યા.
શબાના આઝમીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સંતાન થયું નહીં. પરંતુ જાવેદના પહેલા લગ્નથી થયેલા સંતાન એટલે કે અભિનેતા ફરહાન અખ્તર અને દીકરી ઝોયા અખ્તર સાથે તેમનો સંબંધ માતા જેવો જ રાખ્યો છે.